વડોદરા

વાઘોડિયામાં સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડી ઝડપી પાડેલા વિદેશી દારૂના જંગી જથ્થાના બનાવમાં સંડોવાયેલા નામચીન બુટલેગર લાલુ સિંધીને આજે વાઘોડિયા પોલીસે કોર્ટમાં રજુ કરી તેના વધુ રિમાન્ડની માગણી કરી હતી. આ રિમાન્ડ અરજી નામંજુર થતાં જિલ્લા એલસીબીએ ટ્રાન્સફર વોરંટના આધારે લાલુ સિંધીની તાલુકા પોલીસ મથકના ગુનામાં અટકાયત કરી હતી.

વાઘોડિયા પોલીસની રહેમનજર હેઠળ ધમધમતા વિદેશી દારૂના અડ્ડાઓ પર સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડી નામચીન બુટલેગરોની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો વારસિયાના નામચીન બુટલેગર લાલુ સિંધીએ મોકલ્યો હોવાની વિગતો સપાટી પર આવતા વાઘોડિયા પોલીસે લાલુ સિંધીને વોન્ટેડ જાહેર કર્યો હતો. તાજેતરમાં જિલ્લા પોલીસે લાલુ સિંધીને હાઈવે પરથી ઝડપી પાડી તેને વાઘોડિયા પોલીસને સોંપ્યો હતો. વાઘોડિયા પોલીસે લાલુ સિંધીના રિમાન્ડ મેળવ્યા હતા અને આજે રિમાન્ડનો સમયગાળો પુરો થતાં તેને કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડની માગણી કરી હતી. વાઘોડિયા પોલીસની વધુ રિમાન્ડની અરજી નામંજુર થતાં જ જિલ્લા એલસીબીની ટીમે તાલુકા પોલીસ મથકમાં પણ દારૂના ગુનામાં વોન્ટેડ લાલુ સિંધીનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજાે મેળવ્યો હતો. એલસીબી દ્વારા આવતીકાલે લાલુ સિંધીને કોર્ટમાં રજુ રિમાન્ડની તજવીજ હાથ ધરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.