લોકસત્તા ડેસ્ક 

આરામદાયક ઊંઘ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે બીમારીઓથી બચાવે છે અને મગજને સ્વસ્થ રાખે છે. ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે સારી ઊંઘ માટે એક અઠવાડિયા સુધી, ખાવા પીવાના આ નાના પ્રયોગ કરવાથી ઊંઘમાં તાત્કાલિક સુધારો જોવા મળે છે. ઊંઘતાં પહેલાં આમાંથી એક અથવા બે વસ્તુઓ ખાવા-પીવાનું શરૂ કરી શકો છો. ઊંઘમાં સુધારો જોવા મળવાની સાથે તેને તમારી લાઈફસ્ટાઈલમાં પણ સામેલ કરો...

કેળા અને મધ

આયુર્વેદ અનુસાર, રાત્રે કેળાં ખાવાનું ટાળવું જોઈએ. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, ઊંઘવાના એક કલાક પહેલાં કેળાં ખાવાથી સારી ઊંઘ આવે છે. કારણ કે કેળામાં ટ્રિપ્ટોફેન હોય છે. એક નાની ચાની ચમચી જેટલા મધનું સેવન ઓરેક્સિન રિસેપ્ટરને શાંત કરે છે. આ રિસેપ્ટર મગજને જાગૃત રાખે છે.

• ક્યારે અને કેટલુંઃ મધ સૂતાં પહેલાં તરત જ અને એક કલાક પહેલાં કેળું ખાવું.

હુંફાળું દૂધ

દૂધ ઊંઘ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. દૂધમાં ટ્રિપ્ટોફેન નામનો એમીનો એસિડ હોય છે. તે સેરોટોનિનમાં રૂપાંતરિત થાય છે, અને પછી તે સેરોટોનિન મેલાટોનિન હોર્મોન વધારે છે. સારી ઊંઘથી કેલરી વધારે વપરાય છે. રાત્રે ઊંઘ ઉડી જાય તો પણ પેટ ભરાયેલું હોય તેવું મહેસૂસ થવાથી ફરીથી જલ્દી ઊંઘ પણ આવી જાય છે.

• ક્યારે અને કેટલુંઃ હુંફાળું દૂધ અડધો કલાક પહેલા પીવું. તેમાં હળદર પણ ઉમેરી શકો છો.

બદામ/અખરોટ

સારી ઊંઘની પાછળ મેલાટોનિન હોર્મોન સૌથી જરૂરી છે. મગજમાં પિનિયલ ગ્રંથિમાંથી નીકળતા આ હોર્મોન સૂવાના-જાગવાના ચક્રને કંટ્રોલ રાખે છે. બદામ મેલાટોનિનનો સારો સ્રોત છે. અખરોટથી પણ ઊંઘ સારી આવે છે. મુઠી ભરી બદામ આપણા આખા દિવસની ફોસ્ફરસની 18% જરૂરિયાત પૂરી કરે છે

• ક્યારે અને કેટલીઃ સૂવાના અડધા કલાક પહેલાં મૂઠી ભર રોસ્ટેડ બદામ અથવા એટલા જ પ્રમાણમાં અખરોટ ખાવા.

કિવી ફળ

તે સૌથી ગુણકારી ફળોમાંની એક છે. ચાર સપ્તાહ સુધી 24 વર્ષના યુવાનોને ઊંઘવાના એક કલાક પહેલાં કિવી આપવામાં આવી. તેનાથી પથારીમાં ગાઢ ઊંઘ આવવાના સમયમાં 42% સુધીનો ઘટાડો નોંધાયો. ઊંઘવાનો સમય પણ 13% વધી ગયો. તેમાં સેરોટોનિન કેમિકલ હોય છે. તે સ્લીપ સાયકલને કંટ્રોલ કરે છે.

• ક્યારે અને કેટલીઃ સૂવાના એક કલાક પહેલાં નાના કદની બે કિવી ખાઈ શકાય છે. તેનાથી સારી ઊંઘ આવશે.

ચેરીનો જ્યુસ

ચેરીમાં સારી ઊંઘ માટે ચાર જરૂરી વસ્તુ- ટ્રિપ્ટોફેવ, સેરોટોનિન, મેલાટોનિન અને પોટેશિયમ હોય છે. એક રિસર્ચના અનુસાર, ચેરી ભારે કસરત અને શારીરિક થાક પણ ઘટાડે છે. મીઠી ચેરીથી અલગ ખાટી ચેરીને સ્નેક અને જ્યુસ તરીકે પણ લઈ શકો છો. તે વિટામિન Cથી ભરપૂર હોય છે.

• ક્યારે અને કેટલીઃ ખાટી ચેરીનો જ્યુસ અથવા સ્નેક સૂવાના એક પહેલા લેવો. મીઠી ચેરી પણ લઈ શકાય છે.

હર્બલ ચા

કેમોમાઈલ અને કૃષ્ણકમળ (પેશન ફ્લાવર) ફૂલોની ચા ઊંઘ માટે અસરકારક છે. કેમોમાઈલમાં એપીજેનિન એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તે ઊંઘ માટે સારા હોય છે. એક રિસર્ચમાં સામે આવ્યું કે, 28 દિવસ સુધી દરરોજ દિવસમાં બે વખત કેમોમાઈલની ચા પીવાથી લોકોને 15 મિનિટ વહેલા ઊંઘ આવી ગઈ હતી.

• ક્યારે અને કેટલીઃ સૂવાના 30 મિનિટ પહેલાં કેમો-માઈલ અથવા કૃષ્ણકમલથી બનેલી એક કપ ચા પીવી.