પ્રિમોન્સૂન કામગીરીની પોકળ વાતો ઃ પ્રતાપનગર હજીરા પાસે ટ્રકનાં ટાયર ખાડામાં ગરકાવ થયાં
12, ઓગ્સ્ટ 2024 693   |  

વડોદરા શહેરમાં સીઝનના વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી હતી. શહેરના રાજ માર્ગોનું ધોવાણ થતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જાેવાયું છે.  પ્રતાપનગર હજીરા પાસેના માર્ગ પરથી પસાર થઈ રહેલી ટાઈલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ જતા તેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સ્માર્ટ સિટી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. લાખો કરોડો રૂપિયાના વિકાસના કામો કરતા હોવાની ગુલબાંગો ફૂંકતા પાલિકાના શાસકોની વિકાસની વાતો પર મેઘરાજાએ પાણી ફેરવી નાખ્યું છે. શહેરમાં ઠેર ઠેર ભુવા પડવા, રોડ બેસી જવા,કાંસ બેસી જવી તેમજ ખાડા રાજ સર્જાયું છે. જેના કારણે નગરજનો હાલાકી વેઠવા મજબુર બન્યા છે. તેવામાં રવિવારે સવારે પ્રતાપનગર હજીરા પાસેથી પસાર થઈ રહેલી ટાઈલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ ગયા હતા. સદ નસીબે ટ્રક પલ્ટી મારી ગઈ ન હતી પણ એક સાઈડ નમી ગઈ હતી. જાે ટ્રક પલ્ટી મારી ગઈ હોત તો જાન માલને નુકસાન થાત તે વાતને પણ નકારી શકાય તેમ નથી. આ ખાડામાં ફસાઈ ગયેલી ટ્રકને બહાર કાઢવા ચાલકને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution