30, જુન 2025
3267 |
તેલંગાણા,તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના પાશા મેલારામ ઔદ્યોગિક વિસ્તારમાં સોમવારે સવારે એક ભયંકર અકસ્માત થયો. અહીં સ્થિત સીગાચી કેમિકલ્સ ફેક્ટરીમાં જાેરદાર વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી. ફેક્ટરીના રિએક્ટરમાં વિસ્ફોટ થયો, અને થોડી જ વારમાં જ આગ આખી ફેક્ટરીને લપેટમાં લઈ ગઈ. આ અકસ્માતમાં ૧૨ કામદારોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ૩૪ કામદારો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો અને ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો. કામદારો ભયથી અહીં-ત્યાં દોડવા લાગ્યા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટને કારણે ઘણા કામદારો ૧૦૦ મીટર દૂર પડી ગયા. આ અકસ્માત આજે સવારે ૯ વાગ્યાની આસપાસ થયો હતો.
ચાર ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ૧૦૮ એમ્બ્યુલન્સ અને તબીબી કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે ટોનચેરુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલોને હૈદરાબાદ રિફર કરવામાં આવ્યા છે.અકસ્માત બાદ ફેક્ટરીની ઇમારત ધરાશાયી થઈ હતી. કાટમાળમાં કામદારો ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ૫ કામદારો જીવતા બળી ગયા છે, જાેકે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને ફેક્ટરી અને આસપાસના વિસ્તારને ખાલી કરાવવાનું શરૂ કર્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ કંપની દવાઓના ઉત્પાદનમાં વપરાતો પાવડર તૈયાર કરે છે. વિવિધ રાજ્યોના ૧૦૦ થી વધુ કામદારો અહીં કામ કરે છે. અકસ્માતના સમાચાર મળતા જ કામદારોના સંબંધીઓ ફેક્ટરીની બહાર ભેગા થઈ ગયા હતા. વહીવટીતંત્રે લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવાની સલાહ આપી છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.