સયાજી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી
18, જુન 2025 વડોદરા   |   3366   |  

મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ પણ સલામત નથી. મૂળ વાત એવી છે કે, આજે સવારે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલી મહિલા સિક્યુરિટી ગાર્ડની બે જણાએ છેડતી કરી હતી.

કહેવાય છે કે, બંને જણા નશાની હાલતમાં હતા. આ બનાવની જાણ થતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમણે બંનેને પકડવાની કોશિષ કરી હતી. જોકે, એક જણો નાસી છૂટવામાં સફળ થયો હતો. જ્યારે બીજો પકડાઈ ગયો હતો.

પકડાયેલા યુવકને રાવપુરા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. રાવપુરા પોલીસે પકડાયેલા યુવકના બ્લડ સેમ્પલો લેવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસને પણ આશંકા હતી કે, આ યુવકે નશો કર્યો હોવો જોઈએ. આ બનાવની સયાજી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે ગંભીર નોંધ લીધી હતી. સિક્યુરિટીના ઈનચાર્જે જણાવ્યુ હતુ કે, મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતીનો મામલો સામાન્ય નથી. આવા તત્વો સામે કડકમાં કડક પગલા લેવાવા જોઈએ.


ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં અસામાજિક તત્વોનો હંમેશા અડિંગો રહેતો હોય છે. આવા તત્વો પેશન્ટો અને ડોક્ટોરની સાથે પણ ગેરવર્તણૂક કરતા જોવા મળે છે. આવા તત્વોને હોસ્પિટલની બહાર કરવા માટે પોલીસે કડકમાં કડક પગલા લેવાની જરૂર છે. ઉપરાંત, હોસ્પિટલના પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પણ વધારવાની તાતી જરૂરિયાત છે. 
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution