હિન્દુ ધર્મમાં પ્રમુખ દેવતાઓમાંથી એક એટલે ગણેશ અને તેમનો જન્મદિવસ એટલે કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી
એ જ ‘ગણેશ ચતુર્થી’. આમ તો તેમના બાર, એકસો આઠ અને એક હજાર આઠ નામ છે. પરંતુ મુખ્ય રૂપથી તેઓ સર્વે દેવગણના
‘ઇશ’ એટલે ગણેશ, દેવ ગણોના અધિપતિ એટલે ‘ગણપતિ’, વિઘ્નને હરનારા ‘વિઘ્નહર્તા’ અને નાના-મોટા સૌના લાડીલા
‘ગણપતિ બપ્પા’ એમ વિવિધ નામોથી ઓળખાય છે. તેમના દરેક નામનો વિશિષ્ટ અર્થ અને વિશિષ્ટ મહિમા છે. કોઈ પણ પ્રાંત
હોય, રાજ્ય હોય કે કોઈ પણ સંપ્રદાય; ભગવાન ગણેશ સર્વાનુમતે દરેક શુભ કાર્યમાં પહેલા પૂજાય છે. સનાતન સંસ્કૃતિમાં તેમનું
આગવું સ્થાન છે. એટલે જ ‘ગણેશ ચતુર્થી’ ફક્ત એક પર્વ નહીં પણ પરંપરા છે એમ કહી શકાય. કે જે વર્ષોથી ચાલતી આવી છે.
‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું ‘ગણેશ ચતુર્થી’ નું મહત્વ અને તેમના જન્મની કથા!
આ વર્ષે ૨૦૨૪માં ગણેશ ચતુર્થીનું પર્વ ૭મી સપ્ટેમ્બર થી શરૂ થઈ રહ્યો છે. જે સામાન્ય રીતે દસ દિવસ સુધી ચાલે છે.
ગણેશ ચતુર્થી લોકો વ્યક્તિગત અને સમૂહમાં એમ બંને રીતે ઉજવે છે. ઘરમાં, શેરી, ચોક અને સોસાયટીના આંગણે મંડપ બંધાય
છે. ફૂલો અને રંગીન લાઇટના અવનવા શણગાર થાય છે. પરિવારજનો અને સૌ લોકો સાથે મળીને વાજતે ગાજતે ગણપતિ
બાપ્પાની સુંદર મનોહર મૂર્તિ લઈ આવે છે. વિધિવત પૂજા સાથે મૂર્તિની સ્થાપના થાય છે અને પછી પૂજા, આરતી, ભોગ અને
પ્રસાદનો ક્રમ ચાલુ રહે છે. ઉત્સાહી વર્ગમાં વળી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી પણ જાેવા મળે છે. આમ ત્રણ, પાંચ
કે દસ દિવસ સુધી ગણપતિ બાપ્પાની સેવા કરી નિશ્ચિત મુહૂર્તમાં વિસર્જન કરવામાં આવે છે. લોકોને પૂર્ણ શ્રદ્ધા હોય છે કે
ગણપતિના આગમન સાથે જ સૌનું મંગળ થશે અને વિઘ્નો દૂર થઈ જશે. તો વળી વાજતે ગાજતે વિસર્જનમાં પણ બપ્પાની
આવતા વર્ષે ફરી આવવાની પ્રતિક્ષા રહે છે.
કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા થાય છે. ભગવાન ગણેશને જ્ઞાન અને બુદ્ધિના દેવ કહ્યા છે. તેમના
મોટા કાન મનુષ્યને ઉત્તમ શ્રોતા બનવાની અને મોટું પેટ જ્ઞાન ગ્રહણ કરવાની પ્રેરણા આપે છે. તે સૌનું મંગળ કરનારા અને સંકટ
દૂર કરનારા દેવ છે. ગણેશ ચતુર્થીમાં ભક્તો વ્રત અને ઉપવાસ દ્વારા પણ ભક્તિ કરે છે. જે મનોવાંછિત ફળ આપનારી છે. દરેક
પૂજા અને હોમ હવનમાં તેમજ દીપ પ્રાગટ્ય પર પ્રથમ ગણપતિનું આ શ્લોક સાથે સ્મરણ થાય છે.
“વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ॥”
ગણેશ ચતુર્થી એટલે કે ભગવાન ગણેશના જન્મદિવસની કથા એ સૌની પ્રિય કથા છે. પુરાણ અનુસાર એક વાર માતા પાર્વતી
ભગવાન શંકરની ગેરહાજરીમાં પોતાના શરીર પર લગાવેલા ઉબટનથી એક બાળકની મૂર્તિનું નિર્માણ કરી તેમાં પ્રાણ ઉમેરે છે.
આમ, ‘ગૌરીપુત્ર’નો જન્મ થાય છે. સ્નાન કરવા જતા પહેલા માતા પાર્વતી તેમને દ્વાર પર રક્ષક બની કોઈને પણ અનુમતિ
સિવાય પ્રવેશ ન આપવાનો આદેશ આપે છે. એવામાં ભગવાન શંકર પધારે છે ત્યારે ગૌરીપુત્ર તેમને રોકી રાખે છે. મહાદેવ અને
ગૌરીપુત્ર વચ્ચે વિવાદ સર્જાય છે. જેમાં માતાની આજ્ઞાનું પાલન કરવા માટે તેઓ ભગવાન શંકરની કોઈ વાત માનતા નથી.
પરિણામે બંને વચ્ચે યુદ્ધ થાય છે અને ક્રોધવશ મહાદેવ ત્રિશૂલ પ્રહારથી ગૌરીપુત્રનું મસ્તક શરીરથી અલગ કરી દે છે. આ
દુર્ઘટનાથી માતા પાર્વતી અત્યંત વ્યથિત થાય છે. ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સહિત સૌ દેવો પ્રગટ થઈ સમસ્યા ઉકેલવા માટે
પ્રયત્ન કરે છે. મહાદેવ દેવતાઓને આદેશ આપે છે કે કોઈ પણ બાળક કે જેની માતા તેની વિરુદ્ધ દિશામાં મોઢું રાખી બેઠી હોય,
તેનું મસ્તક લઈ આવવું. આદેશ અનુસાર દેવોને સૌ પ્રથમ એક હાથણી અને તેનું બાળક મળ્યું એટલે તેઓ બાળ હાથીનું મસ્તક
લઈ આવ્યા. મહાદેવે હાથીના મસ્તકને ગૌરીપુત્રના દેહ સાથે જાેડી સજીવન કર્યું. આમ હાથીના મુખવાળા ‘ગજાનન’ નો
જન્મ થયો.
બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ સહિત બધા જ દેવો એ તેમને અપાર શક્તિ આપી. તેઓ સર્વે દેવતાઓના અધિપતિ તરીકે ‘ગણપતિ’
થયા. તેમને સૌના વિઘ્નો અને સંકટ દૂર કરવાનું વરદાન મળ્યું. સૌની બુદ્ધિ અને જ્ઞાનના અધિષ્ઠાતા હોવાનું પદ મળ્યું. દરેક પૂજા
હોમ હવન અને યજ્ઞમાં પ્રથમ સ્થાન મળ્યું અને એ દિવસ ‘ગણેશ ચતુર્થી’ રૂપે સદાકાળ માટે ઉજવવામાં આવ્યું.
જાે કે ગણેશ ચતુર્થી સાથે ‘અનંત ચતુર્દશી’ ના થતાં ગણેશ વિસર્જન સાથે પણ એક પૌરાણિક કથા જાેડાયેલી છે. ‘પર્વની
પાઠશાળા’ માં અગાઉ આપણે જાેયું કે મહાભારત લખતી વખતે ભગવાન ગણેશ લેખક અને વેદ વ્યાસ કથાકાર બન્યા. શરતો
અનુસાર વ્યાસ એક પણ ક્ષણના વિલંબ વિના સળંગ કથા કહી રહ્યા હતા અને વિશ્રામ લીધા વિના જ ગણેશ લખી રહ્યા હતા
તેથી બરાબર દસમાં દિવસે શ્રી ગણેશના શરીરનું તાપમાન વધતું ગયું. જેથી વ્યાસ એ તેમને જળમાં બેસાડી સ્નાન કરાવ્યું. એ
કથા અનુસાર ગણેશ ચતુર્થીના દસ દિવસ પછી વિસર્જન કરવાની માન્યતા પાળવામાં આવે છે.
Loading ...