દિલ્હી-

દેશનો ફોરેક્સ રિઝર્વ ભંડાર પહેલીવાર 550 અબજ અમેરિકી ડૉલર્સના આંકને વટાવી ગયો હતો. રિઝર્વ બેંકે જાહેર કર્યા મુજબ નવમી ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 5.867 અબજ ડૉલર્સ વધીને 550.505 અબજ ડૉલર્સ થયો હતો. દેશ આઝાદ થયા બાદ પહેલીવાર આટલો ફોરેક્સ રિઝર્વ નોંધાયો હતો.

રિઝર્વ બેંકે જણાવ્યા મુજબ આ વર્ષના જૂનની પાંચમીએ પૂરા થયેલા સપ્તાહમાં પહેલીવાર ફોરેક્સ રિઝર્વ 500 અબજ ડૉલરના આંકને આંબી ગયો હતો. નવમી ઓક્ટોબરે 550 અબજ ડૉલર્સનો ઊછાળો આવવા પાછળ ફોરેન કરન્સી એસેટ્‌સમાં થયેલો વધારો જવાબદાર હતો. ફોરેક્સ રિઝર્વમાં ફોરેન કરન્સી એસેટ્‌સનો બહુ મોટો ફાળો હોય છે.

નવમી ઓક્ટોબરે ફેારેન કરન્સી એસેટ્‌સ (FCA) 5.737 અબજ ડૉલર્સથી વધીને 508.783 અબજ ડૉલર્સ જેટલો થઇ ગયો હતો. સામાન્ય રીતે FCA ડૉલર્સમાં લખવામાં આવે છે પરંતુ એમાં પાઉન્ડ, યુરો અને યેન જેવા અન્ય ફોરેન કરન્સીમાં થતી વધઘટ પણ જવાબદાર હોય છે.