વડોદરા,તા.૨૩

વાઘોડિયા રોડ ઉપર ઓફિસ ધરાવી પ્રાઇવેટ કંપનીઓમાં કમિશન લઈ વાહનો ભાડે મૂકવાનો ધંધો કરતા બે શખ્સોએ સો જેટલા વાહન માલિકોને છેલ્લા ત્રણ મહિનાથી ભાડું ન ચૂકવવા સાથે વાહન માલિકની કાર જાણ બહાર અન્ય વ્યક્તિને વેચી મારી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સંચાલક દિપક રૈયાણી અને ભાગીદાર દિપક હરસોરાને વોન્ટેડ જાહેર કર્યા હતા. ત્યારે આજરોજ મહાઠગ દિપક રૈયાણીને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેના નવ દિવસના રીમાન્ડ મેળવ્યા હતાં.

મહાઠગ દિપક રૈયાણી અને તેનો ભાગીદાર દિપર હરસોરાએ શહેરમાંથી ગણી ન શકાય તેટલી ગાડીઓના માલીકોને ઉંચુ ભાડુ અપાવવાની લાલચ આપી કંપનીમા ગાડી મુકવાની છે તેમ કહી ગાડીઓ લઇ જતા હતા. જાે કે બે ત્રણ મહિના ગાડીનુ ભાડુ આપતા હતા અને ત્યારબાદ કારમાલિકોને ભાડુ ચુકવવામાં ગલ્લા તલ્લા કરતા હતાં. કારમાલિકોને ભાડુ ન મળતા કારમાલિકો દ્વારા પોતાની ગાડીઓ ક્યાંછે તેની પુછપરછ પણ મહાઠગ દિપક રૈયાણીને પુછતા તે ઉડાઉ જવાબ આપતો હતો. જેથી કારમાલિકો જ પોતાની ગાડીઓની તપાસ કરવા લાગ્યા હતાં. ત્યારે તપાસ દરમ્યાન જાણવા મળ્યુ હતું કે, મનીષે તમામ વાહનો ભાગીદાર દિપક રૈયાણી (રહે - સુરત)ને આપ્યા હતા. અને તે બંને હાલ સંપર્કમાં નથી. ફરિયાદીઓએ પોતાની કાર બાબતે તપાસ કરતા આ બંને શખ્સોએ કાવતરું રચી તે કારના ડોક્યુમેન્ટની નકલ ઉપર ફરિયાદીની ડુપ્લીકેટ સહી કરી બોગસ દસ્તાવેજ કરી કારમાલિકને બારોબાર વેચી મારવાનું કૌભાંડ આચરતા હતા જેથી ફરિયાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શોપવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને દિપક રૈયાણી અને દિપક હરસોરાની તપાસમાં હતા.ત્યારે ખાનગી બાતમીદાર અને ટેકનીકલ સર્વેલન્સ દ્વારા જાણવા મળ્યું હતુ કે દિપક રૈયાણી સુરતથી રાજસ્થાન તરફ પોતાની પાસેની નંબર પ્લેટ વગરની સફેદ કલરની સ્વીફટ ડીઝાયર ગાડી લઇ જતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહાઠગ દિપક રૈયાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો.