લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ડિસેમ્બર 2025 |
4158
મુંબઈ: ચીન ખાતેથી સસ્તી આયાત રોકવાના ભાગરૂપ ભારત સરકારે કોલ્ડ રોલ્ડ નોન ઈલેકટ્રીકલ સ્ટીલની આયાત પર પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરી છે. ચીનના સસ્તા માલને કારણે ભારતના સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થતું હોવાનું તપાસમાં જણાયા બાદ એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવા ર્નિણય લેવાયો હોવાનું નાણાં મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવાયું હતું.
ડયૂટીનો દર પ્રતિ ટન ૨૨૩.૮૦ ડોલરથી ૪૧૪.૯૦ ડોલરની વચ્ચે રખાયો છે. ધ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ દ્વારા કરાયેલી ભલામણને આધારે આ નોટિફિકેશન જારી કરાયું છે. કોલ્ડ રોલ્ડ નોન ઈલેકટ્રીકલ સ્ટીલનો વપરાશ ંમોટેભાગે ઈલેકટ્રીક મોટર્સ, ટ્રાન્સફોર્મર્સ તથા જનરેટર્સમાં થાય છે. ચીન ખાતેથી આયાત કરાતા આ માલ સ્થાનિક સમાન પ્રોડકટસની સરખામણીએ સસ્તામાં ડમ્પિંગ થતા હોવાનું ધ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસને તપાસમાં જણાયું હતું. સસ્તી આયાતને કારણે ભારતના ઉત્પાદકોને નુકસાન સહન કરવું
પડતું હતું.
ઘરઆંગણેના સ્ટીલ ઉદ્યોગને રક્ષણ આપવા વિયેતનામ ખાતેથી આયાત થતા હોટ રોલ્ડ ફલેટ સ્ટીલ પર સરકારે ગયા મહિને ડયૂટી લાગુ કરી હતી. વિયેતનામના આ પ્રોડકટસ પર પ્રતિ ટન ૧૨૧.૫૫ ડોલર ડયૂટી લાગુ કરવામાં આવી છે. ચીન ખાતેથી સ્ટીલ સહિત વિવિધ પ્રોડકટસની વધી રહેલી આયાતને પરિણામે વર્તમાન વર્ષના અંતે ચીન સાથેની ભારતની વેપાર ખાધ વધી ૧૦૬ અબજ ડોલર પહોંચવા ધારણાં છે.