સોનું રૂા.૧.૩૩ લાખની ઑલ ટાઇમ હાઇ સપાટીએ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, ડિસેમ્બર 2025  |   7029


નવી દિલ્હી, આજે એટલે કે, ૧૫ ડિસેમ્બરના રોજ સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ) અનુસાર, ૧૦ ગ્રામ સોનાની કિંમત ૭૩૨ રૂપિયા વધીને રૂ. ૧,૩૩,૪૪૨ પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગઈ છે. આ પહેલાં સોનાનો ભાવ રૂ. ૧,૩૨,૭૧૦ પર હતો. જ્યારે, આજે ચાંદીના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે. ચાંદી રૂ. ૨,૯૫૮ ઘટીને રૂ. ૧,૯૨,૨૨૨ પ્રતિ કિલો થઈ ગઈ છે.

આ પહેલાં ચાંદીનો ભાવ રૂ. ૧,૯૫,૧૮૦ પર હતો, જે તેનો ઓલ ટાઈમ હાઈ ભાવ હતો.આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં રૂ. ૫૭,૨૮૦નો જંગી વધારો થયો છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનું રૂ. ૭૬,૧૬૨નું હતું, જે હવે રૂ. ૧,૩૩,૪૪૨ થઈ ગયું છે. તેવી જ રીતે, ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન રૂ. ૧,૦૬,૨૦૫ વધી ગયો છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂ.૮૬,૦૧૭ હતી, જે હવે રૂ.૧,૯૨,૨૨૨ પ્રતિ કિલો થઈ ગઈ છે. સોનામાં તેજી પાછળના બે મુખ્ય કારણો જવાબદાર છે. પ્રથમ કારણ ભૌગોલિક રાજકીય તણાવ છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને દુનિયામાં વધતા તણાવને કારણે રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનીને ખરીદી રહ્યા છે.

બીજું કારણ રિઝર્વ બેંકની ખરીદી છે. ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ભરી રહ્યા છે, અને તેઓ વર્ષભરમાં ૯૦૦ ટનથી વધુ સોનાની ખરીદી કરી રહ્યા છે, તેથી ભાવ ઉપર જઈ રહ્યા છે. આઈબીજેએના સોનાના ભાવમાં ૩ ટકા જીએસટી, મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિન શામેલ હોતું નથી, તેથી જુદા જુદા શહેરોમાં ભાવ અલગ હોય છે.

આ ભાવોનો ઉપયોગ આરીબીઆઈ સોવરેન ગોલ્ડ બોન્ડના ભાવ નક્કી કરવા માટે કરે છે, અને ઘણી બેંકો ગોલ્ડ લોનના ભાવ નક્કી કરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે.

કેરેટ પ્રમાણે સોનાનો ભાવ

કેરેટ ભાવ (રૂપિયા/૧૦ ગ્રામ)

૧૪ કેરેટ ૭૮,૦૬૪

૧૮ કેરેટ ૧,૦૦,૦૮૨

૨૨ કેરેટ ૧,૨૨,૨૩૩

૨૪ કેરેટ ૧,૩૩,૪૪૨

(નોંધ: ભાવ ૧૫ ડિસે. ૨૦૨૫ના આઈબીજેએના આધારે છે.)

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution