દિલ્હી-

ભારતમાં ખેડૂતો અને શ્રમિકો દ્વારા કરાતા આપઘાતના ચોંકાવનારા આંકડા પ્રગટ થયા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા પ્રગટ કરાયેલા આંકડા મુજબ ૨૦૧૯માં ૪૨ હજાર ૪૮૦ ખેડૂતો અને શ્રમિકોએ જીવન ટૂંકાવ્યું હતું. એમાંના ૪૫ ટકા ખેડૂતો-શ્રમિકો એકલા બિહારના હતા એટલે કે આપઘાતના કુલ આંકડાના ૪૫ ટકા આપઘાત એકલા બિહારમાં થયા હતા. આ રિપોર્ટમાં જણાવાયા મુજબ ૨૦૧૮માં થયેલા આપઘાત કરતાં ૨૦૧૯માં ખેડૂતોના આપઘાત ઘટ્યા હતા પરંતુ શ્રમિકોના આપઘાત પહેલા જેટલાજ હતા.

૨૦૧૮માં ૧૦, ૩૫૭ ખેડૂતોએ જીવનદોરી ટૂંકાવી હતી. એની તુલનાએ ૨૦૧૯માં ૧૦,૨૮૧ ખેડૂતોએ આપઘાત કર્યા હતા. આમ ખેડૂતોના આત્મહત્યાના બનાવો થોડા ઘટ્યા હતા. એથી ઊલટું શ્રમિકોના આપઘાત ૨૦૧૮ની તુલનાએ ૨૦૧૯માં વધ્યા હતા. ૨૦૧૮માં શ્રમિકોના આપઘાતનો આંકડો ૩૦,૧૩૨નો હતો જે વધીને ૨૦૧૯માં ૩૨,૫૫૯નો થયો હતો એટલે કે આગલા વર્ષની તુલનાએ ૨૦૧૯માં વધુ શ્રમિકોએ આપઘાત કર્યા હતા. આ રિપોર્ટમાં વધુમાં જણાવાયા મુજબ દેશમાં થતા કુલ આપઘાતનો આશરે સાડા સાત ટકા જેટલો હિસ્સો ખેતીવાડી સાથે સંકળાયેલો હતો. ૨૦૧૮માં ભારતમાં કુલ ૧ લાખ ૩૪ હજાર ૫૧૬ વ્યક્તિએ આપઘાત કર્યો હતો.

આ આંકડો વધીને ૨૦૧૯માં ૧ લાખ ૩૯ હજાર ૧૨૩નો થયો હતો. ખેતીવાડી સાથે સંકળાયેલા આપઘાતના આંકડામાં ૨૦૧૮માં ૩,૭૪૯ પુરુષોનો સમાવેશ હતો અને ૫૭૫ મહિલાઓ હતી. ૨૦૧૯માં ૫,૫૬૩ પુરુષો અને ૨૯૪ મહિલાઓ હતી. આ રિપોર્ટમાં જણાવાયા મુજબ પશ્ચિમ બંગાળ, ઓરિસા, બિહાર, ઉત્તરાખંડ, મણીપુર, ચંડીગઢ, દીવ-દમણ, દિલ્હી, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં એક પણ ખેડૂતે કે ખેતમજૂરી આપઘાત કર્યાનો બનાવ બન્યો નહોતો. બીજી બાજુ આપઘાતના કિસ્સાઓમાં બિહારમાં (૪૪.૭) ટકા, પંજાબમાં (૩૭.૫ ટકા), ઝારખંડમાં (૨૫ ટકા), ઉત્તરાખંડમાં (૨૨.૬ ટકા) અને આંધ્ર પ્રદેશમાં (૨૧.૫ ટકા)નો વધારો નોંધાયો હતો.