ગોપાલ પંચાલ, તા.૫

સરકારી હોસ્પિટલના ડોક્ટરો પોતાના કોઈ પેશન્ટને ખાનગી હોસ્પિટલમાં કમિશનની લાલચે મોકલે એ તો સ્વાભાવિક બાબત છે પણ સયાજી હોસ્પિટલના બ્લડ કેન્સર વિભાગના ડોક્ટરોને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટના બે ઈન્ડોર પેશન્ટોને કોઈપણ પ્રકારના અંગત સ્વાર્થ વિના ભારેહૈયે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવા પડ્યા હતા. વાત એવી હતી કે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટના કન્સલ્ટિંગ ડોક્ટર દર ગુરૂવારે છેક દિલ્લીથી વડોદરા આવતા હતા. જેમણે છેલ્લા એક મહિનાથી સયાજી હોસ્પિટલને કન્સલ્ટિંગની સેવા આપવાનું બંધ કરી દેતા પેશન્ટોની ટ્રિટમેન્ટ બંધ કરવાનો વારો આવ્યો હતો. દુઃખ સાથે લખવુ પડે છે કે, છેલ્લા એક મહિનાથી ડોક્ટરના અભાવે સયાજી હોસ્પિટલનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટના દરવાજે ખંભાતી તાળા મારી દેવામાં આવ્યા છે. કહેવાય છે કે, આ યુનિટમાં બે પેશન્ટોને દાખલ કરવામાં આવ્યા હતા અને ચાર પેશન્ટોનું કન્સલ્ટિંગ ચાલતુ હતુ. બ્લડ કેન્સર વિભાગનું બીટીયુ એટલા માટે મહત્વનું હતુ કારણ કે, ખાનગી હોસ્પિટલમાં એની ટ્રિટમેન્ટ ખુબ મોંઘી હોય છે. અને સયાજી હોસ્પિટલમાં આ ટ્રિટમેન્ટ તદ્દન મફતમાં થતી હતી. ડોક્ટરોનું કહેવુ છે કે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સર્જરી અને એની ટ્રિટમેન્ટનો ખાનગી હોસ્પિટલમાં ટોટલ ખર્ચ પચ્ચીસથી ત્રીસ લાખ રૂપિયા થતો હોય છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં એની ટ્રિટેમેન્ટ માત્ર પાંચ રૂપિયાનો કેસ કઢાવીને થતી હતી. બે વર્ષ પહેલા સયાજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે બીટીયુની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં અત્યાર સુધીમાં માત્ર પાંચ-પાંચ રૂપિયાનો કેસ કઢાવીને આવેલા પાંચ પેશન્ટોની સફળ સર્જરી કરીને એમને સાજા કરી દેવામાં આવ્યા હતા. પણ અફસોસ ડોક્ટરોના અભાવે એક મહિના પહેલા બીટીયુને બંધ કરી દેવામાં આવ્યો હતો.

ડો.મીતકુમાર દર ગુરુવારે છેક દિલ્હીથી વડોદરા આવતાં હતાં

સયાજી હોસ્પિટલના બ્લડ કેન્સર વિભાગના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટમાં દિલ્લીના ડો.મીત કુમાર દર ગુરૂવારે આવતા હતા. દિલ્લીથી દર સપ્તાહે ફ્લાઈટમાં વડોદરા આવવાનું ખુબ ખર્ચાળ સાબિત થતુ હતુ. ઉપરાંત, ડો. મીત કુમારને એમની આવડત પ્રમાણેનું વળતર પણ ચુકવાતુ ન હતુ. તેમ છતાંય ડો.મીત કુમારે લાંબા સમય સુધી આર્થિક ખોટ ખાઈને પણ સયાજી હોસ્પિટલના પેશન્ટોની સેવા કરી હતી. પણ છેવટે એમણે પણ દિલ્લીથી વડોદરા આવવાનું બંધ કરી દીધુ હતુ. અને એમની ગેરહાજરીને લીધે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટને તાળા વાગી ગયા હતા. હકીકત એ છે કે, દિલ્લીના ડો. મીત કુમારની જેમ વડોદરા અને ગુજરાતમાં પણ ઘણા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે. પણ સરકારી હોસ્પિટલોમાં સેવા આપવા બદલ એમને વળતર પેટે ક્ષુલ્લક રકમ મળતી હોવાથી તેઓ આવતા નથી.