/
46 વર્ષ બાદ ભારતનો ટેસ્ટમાં 50થી ઓછો સ્કોર....

એડિલેડ

ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે કાંગારૂએ ડે-નાઈટ ટેસ્ટમાં ન હારવાનો ક્રમ યથાવત્ રાખ્યો છે. તેઓ આ જીત સાથે પિન્ક બોલ સાથે રમાયેલી આઠમાંથી આઠ ટેસ્ટ જીતી ગયા છે. બીજી તરફ, ટીમ ઇન્ડિયા સતત ત્રીજી ટેસ્ટ ત્રણ દિવસની અંદર હારી છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાએ બંને ટેસ્ટ ત્રણ દિવસની અંદર ગુમાવી હતી. વેલિંગ્ટન ખાતે ભારત 10 વિકેટે અને ક્રાઈસ્ટ ચર્ચ ખાતે 7 વિકેટે હાર્યું હતું.

90 રનનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ 21 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. જો બર્ન્સે 51 અને મેથ્યુ વેડે 33 રન કર્યા. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ભારતનો ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે બીજી ઇનિંગ્સમાં 9 વિકેટે 36 રન કર્યા છે. મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થતાં ભારતીય ઇનિંગ્સ સમાપ્ત થઇ ગઈ છે. ઓસ્ટ્રેલિયાને 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ટીમ ઇન્ડિયા 1974માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે 42 રનમાં ઓલઆઉટ થઇ હતી.

પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાને 53 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. કાંગારૂ માટે જોશ હેઝલવૂડે 5 અને પેટ કમિન્સે 4 વિકેટ લીધી છે. ભારતનો કોઈપણ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહીં.

ટેસ્ટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર:

સ્કોર વિરુદ્ધ સ્થળ વર્ષ

36 ઓસ્ટ્રેલિયા એડિલેડ 2020

42 ઇંગ્લેન્ડ લોર્ડ્સ 1974

58 ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેન 1947

58 ઇંગ્લેન્ડ માન્ચેસ્ટર 1952

66 સાઉથ આફ્રિકા ડર્બન 1996

ટેસ્ટ ક્રિકેટમાં 6 વિકેટે ભારતનો સૌથી ઓછો સ્કોર 

ભારતનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર 42 રનનો છે. ટીમ 1974માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે આટલા રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. જોકે આજે ટીમે 19 રનમાં 6 વિકેટ ગુમાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 વિકેટના નુકસાને આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ટીમે સાઉથ આફ્રિકા સામે 1996માં ડરબન ખાતે 25 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. ત્યારે ભારત 66 રનમાં ઓલઆઉટ થયું હતું.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution