દુબઇ 

કિંગ્સ ઇલેવન પંજાબે (KXIP)સતત પાંચમી જીત પછી કોલકાતા નાઇટ રાઇડર્સને (KKR)ફસાવી દીધું છે. હવે આઈપીએલના પ્લેઓફમાં (IPL Playoff) પહોંચવા માટે કેકેઆરે બાકી બચેલી મેચમાં સારા નસીબ અને શાનદાર પ્રદર્શનની જરૂર છે. વર્તમાન સિઝનની શરૂઆતની મેચમાં શાનદાર પ્રદર્શન કરનારી કેકેઆર હવે પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને આવી ગઈ છે. અમે પ્લેઓફનું સમીકરણ વિશે જણાવી રહ્યા છીએ. અંતિમ ચારમાં પહોંચવા કોને મળશે ટિકિટ. આવો જણાવીએ પ્લેઓફનું ગણિત.

પોઇન્ટ ટેબલ પર નજર કરવામાં આવે તો હાલ 14-14 પોઇન્ટ પર ત્રણ ટીમો છે. મુંબઈ ઇન્ડિયન્સ ટોપ પર છે. બીજા નંબરે દિલ્હી કેપિટલ્સ અને ત્રીજા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગલોર છે. આ ત્રણેય ટીમોને 3-3 મેચ રમવાની બાકી છે. આવામાં તે અંતિમ ચારમાં પહોંચી જાય તેવી પ્રબળ સંભાવના છે. સતત પાંચ મેચમાં જીત મેળવી પંજાબની ટીમ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગઈ છે.  

પંજાબ માટે ખતરાની વાત એ છે કે તેની નેટ રનરેટ માઇનસ (0.049)માં છે. એટલે કે પ્લેઓફમાં પહોંચવા માટે બાકી બચેલી બંને મેચમાં જીત મેળવવી પડશે. હાલ પંજાબના 12 પોઇન્ટ છે. આવામાં તેના બે જીત સાથે 16 પોઇન્ટ થઈ જશે અને તે અંતિમ ચારમાં પહોંચી શકે છે. એટલે કે બીજાના પરિણામ પર નિર્ભર રહેવું પડશે નહીં. જોકે પંજાબ એક મેચ હારી જાય તો તેના ખાતામાં 14 પોઇન્ટ રહેશે. આવામાં સંભાવના એ રહે કે 7 ટીમોના 14-14 પોઇન્ટ બની શકે છે અથવા વધારે. આવામાં પંજાબની ટીમ બહાર થઈ શકે છે.

જો પ્લેઓફનો નિર્ણય નેટ રનરેટના આધારે થાય થાય તો પંજાબને વધારે ચિંતા કરવાની જરૂર નથી. તેની નેટ રનરેટ કેકેઆરથી શાનદાર છે. જોકે સનરાઇઝર્સની ટીમ નેટ રનરેટના મામલે પંજાબને પાછળ છોડી શકે છે. હાલ તેના 11 મેચમાં 8 પોઇન્ટ છે. જો તે બાકી બચેલી મેચ જીતી લે તો તેના 14 પોઇન્ટ થઈ જશે અને તે અંતિમ ચારમાં ક્વોલિફાય કરી શકે છે. જોકે આ માટે જરૂરી છે કે પંજાબ, રાજસ્થાન અને કોલકાતા પોતાની બધી મેચો હારી જાય. પંજાબ સામે પરાજય પછી કેકેઆરની ટીમ પાંચમાં નંબરે પહોંચી ગઈ છે. હવે તેણે બાકી બચેલી બંને મેચમાં જીત મેળવવી પડશે. સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તેની નેટ રનરેટ શાનદાર બને. આ સિવાય પંજાબની ટીમ પોતાની બાકી બચેલી મેચ હારી જાય તેવી પણ પ્રાર્થના કરવી પડશે. કેકેઆરના હાલ 12 મેચમાં 12 પોઇન્ટ છે.