દિલ્હી-

છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં તો પેટ્રોલ કરતા પણ ઉંચી કિંમતે ડીઝલ વેચાઈ રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત નિશ્ચિત ક્ષેત્રમાં હોવા છતા આવી સ્થિતિ જાેવા મળી રહી છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ચઢ ઉતરની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર જાેવા મળે છે.  

કોઈ પણ કારણસર જાે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઉંચકાય તો ભારતમાં પણ પેટ્રોલ, ડીઝલના ભાવોમાં ઉછાળાની આશંકા રહે છે. આ સ્થિતિનો સામનો કરવા માટે સરકારે એક નવી યોજના ઘડી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કહેવા પ્રમાણે ભારત કોઈ પણ પ્રકારના પુરવઠા બાધ કે કિંમત વૃદ્ધિની સ્થિતિનો સામનો કરવા માટે પોતાનું કાચુ તેલ અમેરિકાના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારોમાં રાખવાની તૈયારીમાં છે.

આ મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચેની વાત ખૂબ આગળ વધી ગઈ છે. ધર્મેન્દ્ર પ્રધાનના કહેવા પ્રમાણે બંને દેશોએ વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારણ મામલે સહયોગ માટે સહમતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાં 71.4 કરોડ બેરલ તેલની ભંડારણ ક્ષમતા છે. આ સંકટ સમયે કાચા તેલ માટેની વિશ્વની સૌથી મોટી પુરવઠા વ્યવસ્થા છે.

તેની સરખામણીએ ભારતમાં ત્રણ જગ્યાએ ભૂમિગત ભંડારણ ક્ષમતા 53.3 લાખ ટન (આશરે ૩.૮ કરોડ બેરલ) છે. પૂર્વીય અને પશ્ચિમી તટીય વિસ્તારોમાં આવેલા આ ભંડાર કેન્દ્રોમાંથી માત્ર 9.5 દિવસની જરૂરિયાત પૂરી થઈ શકે છે. ભારત અમેરિકામાં સંગ્રહ કરશે તો તેનો એક ફાયદો એ થશે કે જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમતોમાં ખૂબ ઉતાર ચઢાવ હશે કે પછી પુરવઠા બાધ હશે તો તેનો ઉપયોગ થઈ શકશે.

ભારત માટે અમેરિકા છઠ્ઠા નંબરનું સૌથી મોટું તેલ સપ્લાયર છે. 2017 થી 2019 દરમિયાન ભારતને અમેરિકાનો તેલ પુરવઠો 10 ગણો વધીને 2.5 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગયો છે