/
IPL : 200 સિક્સર અને 500 ચોગ્ગા ફટકારનાર એકમાત્ર બેટ્સમેન બન્યો વિરાટ!

દુબઇ 

આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 13મી સિઝનમાં રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ એક અનોખી સિદ્ધિ નોંધાવી હતી. કોહલીએ આ મેચમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 43 બોલમાં 50 રનની ઈનિંગ્સ રમી હતી. આઈપીએલમાં કોહલીની આ 39મી અડધી સદી હતી. આ મેચ દરમિયાન કોહલીએ એક સિદ્ધિ પોતાના નામે કરી હતી. કોહલી આઈપીએલમાં 200 સિક્સર અને 500 ચોગ્ગા ફટકારનારો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે.

જોકે, આઈપીએલમાં 200 સિક્સર નોંધાવનારો તે પાંચમો બેટ્સમેન અને ત્રીજો ભારતીય છે. કોહલી અગાઉ આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માએ 200 સિક્સર ફટકારી છે. જ્યારે આઈપીએલમાં સૌથી વધુ સિક્સર નોંધાવવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે. કેરેબિયન વિસ્ફોટક બેટ્સમેને આઈપીએલમાં અત્યાર સુધી 336 સિક્સર ફટકારી છે.

આ ઉપરાંત કોહલી આઈપીએલમાં સૌથી વધુ અડધી સદી નોંધાવવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને આવી ગયો છે. કોહલી ઉપરાંત શિખર ધવને પણ આઈપીએલમાં 39 અડધી સદી ફટકારી છે. જ્યારે આઈપીએલની વર્તમાન સિઝનમાં કોહલી 400 અને તેનાથી વધુ રનો નોંધાવનારો ત્રીજો બેટ્સમેન બન્યો છે. લોકેશ રાહુલ એકમાત્ર બેટ્સમેન છે જેણે 500થી વધુ રન નોંધાવ્યા છે. જ્યારે ધવને 471 રન નોંધાવ્યા છે. કોહલીએ અત્યાર સુધી 11 મેચમાં 415 રન નોંધાવ્યા છે. 

કોહલીએ આઈપીએલમાં 500 ચોગ્ગા પણ પૂરા કરી દીધા છે. આ સાથે જ તે આઈપીએલમાં 500 ચોગ્ગા ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો છે. આઈપીએલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ ધવનના નામે છે. જેણે 576 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે કોહલીએ 501 ચોગ્ગા ફટકાર્યા છે. ત્યારબાદ સુરેશ રૈનાનો નંબર આવે છે જેના નામે 493 ચોગ્ગા છે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution