જુનાગઢ-

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરફોડ ચોરી અને લૂંટ કરી, તરખાટ મચાવનાર દાહોદ જિલ્લાના બંડીધારી ગેંગના પાંચ ઈસમોને જૂનાગઢ એલસીબીએ દબોચી લઇ રાજ્યમાં ૪૬ વણ ઉકેલા યેલા ગુનાઓ દીટેક કરી રૂ. ૨,૦૬,૭૮૦ રોકડા તથા રૂ. ૬,૭૯,૫૪૫ ના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૮,૮૬,૩૨૫ નો મુદ્દામાલ કબજે કરી જુનાગઢ પોલીસની સુંદર કામગીરીમાં વધુ એક પિંછનો ઉમેરો કર્યો હતો. જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટી તથા જૂનાગઢ એલસીબી પીઆઇ આર કે ગોહિલે આપેલી વિગતો મુજબ, જુનાગઢ એલસીબીને બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે, જૂનાગઢ જિલ્લામાં એક બંડીધારી ટોળકી ચોરી અને લુંટના ગુના કરી રહી છે અને આ ટોળકી હાલમાં શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ગ્રોફેડ મિલની નજીકના સ્થળે મજૂરના વેશમાં રહે છે અને રાત્રીના સમયે બંડી પેરવી ચોરી અને લૂંટફાટ કરી રહ્યા છે.

આ બાતમી મળતા જ જૂનાગઢ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ. આર.કે. ગોહિલ, પી.એસ.આઇ. ડી.જે. બડવા, પીએસઆઈ. ડી.એમ. જલુ તથા સ્ટાફ અને ટેકનિકલ સ્ટોર્સના માધ્યમથી અને બાતમીદારોની મળેલ ચોક્કસ બાતમીના આધારે બાતમી વાળા સ્થળે ત્રાટકતા ૫ શખ્સો પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા, જેની પાછળ એલસીબીના જવાનોએ દોડી આ પાંચેય શખ્સોને પકડી પાડયા હતા.જૂનાગઢ એલસીબીએ પકડાયેલા શખ્સોની વિશેષ પૂછપરછ અને ચોરીમાં ગયેલ માલ અંગે તપાસ કરતા અને મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરતા રૂ. ૨,૦૬,૭૮૦ રોકડા તથા રૂ. ૬,૭૯,૫૪૫ ના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૮,૮૬,૩૨૫ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પકડાયા બાદ એલસીબી દ્વારા આ પાંચ શખ્સોની પુછપરછ કરતા આ પાંચેય શખ્સો દાહોદ જિલ્લાના બંદિધારી ગેંગના હોવાનું સામે આવ્યું હતું, જેમાં ભાંભોર ગામનો શૈલેષ માનસિંગ ભાભોર (ઉ.વ. ૨૦) ચીલાકોટાનો નરેશ કનુ ડામોર (ઉ.વ. ૨૭) ગરબાડાનો નગરસિંગ વસના કલમી (ઉ.વ. ૨૬) ખેરીયા ગામનો મહેશ ખુમાનસિંહ માવી (ઉ.વ. ૨૦) અને ચીલાકોટા ગામનો ચંદુ મલા માંવી હોવાનું સામે આવ્યું હતું, અને તેઓ દ્વારા રાત્રિના સમયે ચોરી અને લૂંટફાટ કરતા હોવાનું કબૂલ્યું હતું.