/
જુનિયર તબીબો અને સરકાર આમને-સામને

વડોદરા, તા.૬

રાજ્યના નાયબ મુખ્યમંત્રીના આદેશનું પાલન નહીં કરી સરકાર વિરુદ્ધ હડતાળનંુ આંદોલન ચલાવી રહેલા જુનિયર તબીબો અને ઈન્ટર્ન રેસિડેન્ટ તબીબોને મેડિકલ હોસ્ટેલ ખાલી કવરાનો આદેશ આવતાં મામલો વધુ ગરમાયો છે અને બળતામાં ઘી હોમાયું છે. જુનિયર તબીબો પણ મક્કમ બની આરપારની લડાઈ લડવાના મૂડમાં આવી ગયા છે. ગાંધીનગર ખાતે ઉચ્ચકક્ષાના સત્તાધારી અધિકારીનો આદેશ આવતાં બરોડા મેડિકલ ડીન ડો. તનુજા જાવડેકરે જુનિયર તબીબો અને ઈન્ટર્ન તબીબોને તાત્કાલિક અસરથી હોસ્ટેલ રૂમો ખાલી કરવાની નોટિસ આપવામાં આવતાં તબીબો અસમજંસમાં મુકાયા છે. હાલ મેડિકલ હોસ્ટેલમાં ૪પ૦ જેટલા જુનિયર રેસિડેન્ટ, ૧૬૦ જેટલા ઈન્ટર્ન રેસિડેન્ટ તબીબો રહેતા હોવાનંુ મેડિકલ ડીને જણાવ્યું છે. હોસ્ટેલ ખાલી કરાવવાના આવેલા આદેશ અને આપવામાં આવેલ નોટિસને પગલે સરકાર અને જેડીએ સામ-સામે આવી ગયા છે.

ઓલ ગુજરાત જુનિયર ડોકટર્સ એસોસિયેશન દ્વારા સરકારે કોરોનાકાળ સમયે તબીબોને કેટલાક લાભો આપવાની આપેલ બાંહેધરી પૈકીની મુખ્ય ચાર માગણીઓને લઈને સરકાર સામે હડતાળનું આંદોલન શરૂ કર્યું છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જુનિયર તબીબોની હડતાળને ગેરવાજબી ગણાવી ફરજ પર હાજર થવા અંગેના ફરમાન સાથે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ધમકી ઉચ્ચારતાં જુનિયર તબીબો છંછેડાયા છે તેમજ મક્કમ બનેલા જેડીએના ઓલ ગુજરાતના ડોકટરો દ્વારા તેમનું હડતાળનું આંદોલન આગળ ધપાવી બીજા દિવસે એટલે કે આજે સવારે બ્લેક-ડે બનાવી કાળાં કપડાં ધારણ કરી સયાજી હોસ્પિટલના કેમ્પસમાં વી વોન્ટ જસ્ટિસના ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તદ્‌ઉપરાંત આજથી ઈમરજન્સી સેવાઓ પણ બંધ કરી હતી અને આરોગ્ય સેવાઓથી અલિપ્ત રહ્યાહતા. આજે સવારે વિરોધ પ્રદર્શન બાદ બ્લડ ડોનેશન કેમ્પ યોજી હોસ્પિટલની બ્લડ બેન્કમાં મોટાભાગના જુનિયર તબીબોએ દર્દીઓની સહાય માટે રક્તદાન કર્યું હતું.

જુનિયર તબીબોની હડતાળના સમર્થનમાં ઈન્ટર્ન તબીબો પણ જાેડાયા હતા, જેથી જુસ્સો બુલંદ બન્યો હતો. જુનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળને પગલે હોસ્પિટલના સત્તાધીશોએ દર્દીઓને તકલીફ કે હાલાની ન પડે તે માટે મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોને ઈમરજન્સી સેવાની ફરજ સોંપવામાં આવી છે. તેઓની પણ એનસીઓટીમાં હાજરી પાંખ જાેવા મળી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલ આદેશ સંદર્ભે વડોદરા જેડીએના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, ઓલ ગુજરાત જુનિયર ડોકટર્સ એસોસિયેશન દ્વારા જે નિર્ણય કરાશે તેના આધારે આગળના કાર્યક્રમો યોજવામાં આવશે તેમ જેડીએના પ્રમુખ ડો. આકાશે જણાવ્યું હતું.

આજે તેમની હડતાળના સમર્થનમાં ઈન્ટર્ન તબીબો પણ જાેડાયા હોવાનું ઉમેર્યું હતું અને કહ્યું હતું કે, સરકારે કોરોનાકાળ સમયે બોન્ડેડનો સમય ઘટાડો, સાતમા પગારપંચના લાભ સહિત કેટલાક લાભ આપવાની બાંહેધરી આપી ઠરાવ કરી જી.આર. પણ બહાર પાડવામાં આવ્યો હતો, પરંતુ કોરોનાકાળ સમય પૂરો થતાં સરકાર હવે લાભો આપવા માટે મોં ફેરવીરહી છે તેમ જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution