આણંદ : હાલ ભારતમાં કોરોના મહામારીની પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે વિવિધ રીતે કામ કરવામાં આવી રહ્યું છે. સરકાર પછી એ કેન્દ્રની હોય કે રાજ્યની અલર્ટ મોડમાં આવી ગઈ છે. આ કાર્યની અંતર્ગત આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે સરવે અને ધનવંતરી રથના માધ્યમથી જિલ્લાના નાગરિકોની આરોગ્ય ચકાસણી કરીને સઘન સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં સામૂહિક એન્ટિજન ટેસ્ટની એક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.   

સૂત્રોના જણાવ્યાં મુજબ, જિલ્લામાં આવેલાં તમામ તાલુકા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, શાક માર્કેટ, ગંજ બજાર, તમામ સરકારી કચેરીઓ, શોપિંગ મોલ જેવા કે બિગ બજાર, રિલાયન્સ, ડી-માર્ટ, જીઆઈડીસી, રાષ્ટ્રીય અને ખાનગી બેંકોની શાખાઓ, પ્રાઇવેટ હોસ્પિટલના કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, એમજીવીસીએલના કર્મચારીઓ, વાહનોના શોરૂમ, પેટ્રોલ પંપ વગેરે જેવી તમામ જગ્યાઓએ આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રેપીડ કીટ દ્વારા એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ટેસ્ટનો મુખ્ય હેતુ વધુમાં વધુ શંકાસ્પદ કોરોનાના દર્દીઓને શોધીને હોમ ક્વોરન્ટીન કરવા અથવા ફેસિલિટી સેન્ટરોમાં ક્વોરન્ટીન કરી સારવાર આપવાનો છે. અત્યાર સુધી જિલ્લામાં આવેલી જાહેર જગ્યાઓમાં આણંદ તાલુકામાં ૨૧૬૨ રેપીડ એન્ટિજન ટેસ્ટ પૈકી ૬૭ પોઝિટિવ, બોરસદ તાલુકામાંથી ૧૧૩૨ રેપીડ એન્ટિજન ટેસ્ટ પૈકી ૨૧ પોઝિટિવ, ખંભાત તાલુકામાંથી ૧૨૧૬ રેપીડ એન્ટિજન ટેસ્ટ પૈકી ૨૨ પોઝિટિવ, પેટલાદ તાલુકામાં ૭૨૮ રેપીડ એન્ટિજન ટેસ્ટ પૈકી ૧૪ પોઝિટિવ, સોજિત્રા તાલુકામાંથી ૩૨૩ રેપીડ એન્ટિજન ટેસ્ટ પૈકી ૮ પોઝિટિવ, ઉમરેઠ તાલુકામાંથી ૫૫૦ રેપીડ એન્ટિજન ટેસ્ટ પૈકી પોઝિટિવ મલી આવ્યાં હતાં. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હેલ્પલાઇન ૧૦૭૭ શરૂ કરવામાં આવેલી છે. જેનાં ઉપર જિલ્લાના કોઈપણ નાગરિક પોતાને કોરોનાના લક્ષણો છે, તેવું જણાય તો તાત્કાલિક આ નંબરનો સંપર્ક કરી વિના મૂલ્યે એન્ટિજન ટેસ્ટ કરાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

હેલ્પલાઇન ૧૦૭૭ મારફત ૧૮૬ ટેસ્ટ કરાયા

અત્યાર સુધીમાં હેલ્પલાઇનના માધ્યમથી ૧૬૮ ટેસ્ટ કરવામાં આવ્યાં છે, જેમાં ૨૧ નાગરિકોનો રેપીડ એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

એન્ટિજન ટેસ્ટ માટે હાઇવે વ્હીકલ શરૂ કરવામાં આવ્યા

આરોગ્ય વિભાગ દ્વારા ખાસ હાઇવે વ્હીકલ સેવા ચાલું કરીને હાઇવે પર આવેલી તમામ હોટલો અને દુકાનોના કર્મચારીઓના પણ રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૪૪૮ રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવેલ છે, જેમાંથી ૫ રેપીડ એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ નોંધાયા છે.

આણંદ જિલ્લાની જનતાને કલેક્ટરની અપીલ

જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલે જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે કે, કોરોના એન્ટિજન ટેસ્ટ કરાવી ઝડપી નિદાન થવાથી ઘરના અન્ય સભ્યોને આ રોગનો ચેપ લાગતો અટકાવી શકાય છે, જ્યારે જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારે કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને કોરોનાના લક્ષણ જણાય તો તાત્કાલિક ૧૦૭૭ ઉપર કોલ કરી ઘરે બેઠાં રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાવી લેવો, તેમાં જ બધાનું હિત સમાયેલું છે.

કલેક્ટર કચેરી ખાતે આવતાં મુલાકાતીઓના પણ ટેસ્ટ કરાયાં

કલેક્ટર કચેરી ખાતે આવતાં મુલાકાતીઓના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં ૪૩૨ રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવેલ છે, જેમાંથી ૩ રેપીડ એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવેલ છે.

આણંદ જિલ્લામાં ક્યાં ક્યાં રેપીડ એન્ટિજન ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે?

હાલમાં જિલ્લામાં તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, જિલ્લાની ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે રેપીડ એન્ટિજન ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે.