ભુજ-

પશ્ચિમ કચ્છ એસઓજીએ કોમ્બીંગ નાઈટ દરમિયાન ભુજ તાલુકાના લોડાયના શખ્સની દેશી બંદુક સાથે ધરપકડ કરી હતી તો અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળતા બન્ને વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને હાલ આદર્શ આચાર સંહિતા અમલી હોઈ રેન્જ આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સૂચનાથી જિલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખનાર શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના હતી. જે અનુસંધાને એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એ.આર.ઝાલાના માર્ગદર્શન તળે એસઓજી પીએસઆઈ આર.સી.ગોહિલ સહિતનો સ્ટાફ નાઈટ કોમ્બીંગમાં હતો. દરમિયાન એએસઆઈ નરેન્દ્રસિંહ રાણાને ખાનગી રાહે મળેલી બાતમી હકીકતને આધારે વર્ક આઉટ કરીને આરોપી જાનમામદ હુસેન ચંગલ (ઉ.વ. ૩૭) (રહે.ગગડાવાસ, લોડાય, તા.ભુજ)ની ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરાઈ હતી.આરોપીના કબજામાંથી પોલીસે સીંગલ બેરલ મજલ લોડની દેશી બંદુક કિ.રૂા.ર૦૦૦ કબજે કરી હતી. જ્યારે અન્ય એક શખ્સ હાજર ન મળતા બન્ને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કામગીરીમાં પીએસઆઈ આર.સી.ગોહિલ, એએસઆઈ ઘનશ્યામસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાણા, હે.કો. અશ્વિનભાઈ સોલંકી, રજાકભાઈ સોતા, કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો.