વડોદરા, તા.૧૮

વાતાવરણમાં પલટો આવતાં સમગ્ર ગુજરાત સહિત વડોદરા શહેર-જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડીના ચમકારાની વચ્ચે વરસાદી માહોલ જામવાની સાથે શહેર-જિલ્લામાં વરસાદી છાંટા પડયા હતા, જેના લીધે યોજાયેલા લગ્નપ્રસંગોમાં વિઘ્ન ઊભું થયું હતું. એટલું જ નહિ, લગ્ન આયોજકો વરસાદના રક્ષણ માટેના આયોજન માટે અટવાયા હતા. જ્યારે બીજી તરફ શહેર-જિલ્લામાં છેલ્લા એક બે અઠવાડિયાથી ઠંડીનો ચમકારો વધતાં લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. પરંતુ હવામાનમાં અચાનક પલટો આવતાં ઠંડીના ચમકારા વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો. ભરશિયાળામાં વરસાદી માહોલમાં છાંટા પડતાં ગરમ વસ્ત્રો પહેરવા કે રેઈનકોટ પહેરવો તેની અવઢવમાં લોકો મુકાયા હતા.સ્થાનિક હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુમાં વરસાદી માહોલ વચ્ચે શહેર-જિલ્લામાં વડોદરામાં પ મિ.મી., કરજણમાં ૧ મિ.મી., ડભોઈમાં ૧ મિ.મી., પાદરામાં ર મિ.મી., વાઘોડિયામાં ર મિ.મી., શિનોરમાં ર મિ.મી. વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદ શહેર સહિત તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં પણ વરસાદ ખાબકતાં ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે બે દિવસ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડવાની આગાહી જણાવી છે.