આણંદ : તાજેતરમાં શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.બી. કોમર્સ કોલેજના તૃતીય વર્ષમાં અભ્યાસ કરતી એક રિક્ષાચાલકની દીકરી ફરહાનાબાનું મલેકે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવી કોલેજ અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ બાબત ખૂબ જ ગૌરવ અપાવનારી હોઈ કોલેજમાં વિદ્યાર્થીઓની સુવિધા માટે નવા બંધાયેલ ર્મિંાર્ગદર્શન અને સહાય કેન્દ્ર’નું ઉદઘાટન ગોલ્ડ મેડલ મેળવનારી વિદ્યાર્થીનીઓ ફરહાના મલેક તેમજ એમએડમાં ગોલ્ડ મેડલ મેળવનાર સેજલ રબારી અને તેજલ રબારીનાં હસ્તે કરાવી એક વિશિષ્ટ પરંપરાની શરૂઆત કરવામાં આવી છે. આ રીતે વિદ્યાર્થીનીઓનું વિશિષ્ટ બહુમાન પણ કરવામાં આવ્યું છે.સંસ્થાના સેક્રેટરી ડૉ.બંકીમચંદ્ર વ્યાસે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીનીને પ્રોત્સાહન માટે આગળના ધોરણે એમકોમ વિભાગમાં પ્રવેશ અપાવી તે વિદ્યાર્થીનીને દત્તક લઇ સમગ્ર અભ્યાસક્રમની સંપૂર્ણ ફી માફ કરી અનુકરણીય ઉદાહરણ પૂરું પાડેલ છે. કેળવણી મંડળના આ વિશિષ્ટ કાર્યથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. આ અંગે સંસ્થાના સેક્રેટરી ડૉ.બંકિમચંદ્ર વ્યાસે જણાવ્યું હતું કે, સમાજમાં એક રિક્ષાચાલક અને પશુપાલકની દીકરીઓ આગવું સ્થાન મેળવે એ ખૂબ જ પ્રશંસાપાત્ર અને ગૌરવપૂર્ણ ગણાય, જેથી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન પૂરું પાડવું ખૂબ જરૂરી બને છે.