નડિયાદ : નોવેલ કોરોના વાઇરસની મહામારીમાં દેશ અને ગુજરાતમાં પ્રતિદિન કેસો વધતા જાય છે. આવી પરિસ્થિતિને ધ્યાને રાખી ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦ લાગુ કરવામાં આવેલો છે. આ એક્ટની અંતર્ગત ખેડા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને લગ્ન સમારંભોથી લઈને વિવિધ સત્કાર સમારંભો અને નિધન વખતેના અંતિમ સંસ્કાર કે કોઈ ધાર્મિક વિધી માટે કડક નિયમો લાગું કરવામાં આવ્યાં છે.  

કોરોના વાઇરસની મહામારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા તથા કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા ભારત સરકાર દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોનમાં તા.૩૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃત્તિઓ ચાલું રાખવા હુકમ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની ગૃહવિભાગની માર્ગદર્શક સૂચનાઓ અન્વયે ખેડા જિલ્લામાં આ અંગે અગાઉ બહાર પાડવામાં આવેલ જાહેરનામા/જરૂરી માર્ગદર્શક સૂચનાઓ નીચેની બાબતો સિવાય તા.૩૦ સુધી યથાવત રાખવામાં આવે છે.

ખેડા જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલાં તા.૧૨ ઓક્ટોબરના હુકમ મુજબ સામાજિક કાર્યક્રમોની સૂચનાઓ તા.૩ નવેમ્બરથી અમલમાં આવે તે રીતે ફેરફારો કરવા હુકમો કરવામાં આવ્યો છે.

આ હુકમ મુજબ, લગ્ન/સત્કાાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા હુકમ બહાર પાડવામાં આવ્યો હોવાથી તા.૨૫ નવેમ્બરથી અમલમાં આવે તે રીતે ફેરફાર કરવાના હુકમો ખેડા જિલ્લામાં પણ કરવામાં આવેલ છે. આ ફેરફાર મુજબ, લગ્ન કે સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓના કિસ્સામાં ખુલ્લાં અથવા બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ લોકોને ભેગાં કરી શકાશે નહીં. જાેકે, મહત્તમ સંખ્યા ૧૦૦ વ્યક્તિથી વધુ હોવી જાેઈએ નહીં. મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયા/ધાર્મિક વિધી વખતે ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરી શકાશે. આ જાહેરનામુ ખેડા જિલ્લાંના સમગ્ર હદ વિસ્તારને લાગું પડશે. તેમજ તેનો અમલ તા.૨૫ નવેમ્બરથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વખતોવખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

અપવાદ રૂપે સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ અન્યક સરકારી/અર્ધસરકારી એજન્સીઓ કે જેઓ કાયદેસરની ફરજમાં હોય તેમને તથા ભારત સરકાર/રાજ્ય સરકાર દ્વારા કે જિલ્લા કલેકટર કચેરીએથી મુકિત આપેલ હોય કે હવે પછી મુકિત આપવામાં આવે તેઓને સમયમર્યાદા કે અવર-જવર અંગેના નિયંત્રણો લાગુ પડશે નહીં. જિલ્લોમાં હવે પછી જાહેર થનાર કન્ટેઇનમેન્ટ ઝોનને પણ આ જાહેરનામાની જાેેગવાઇઓ લાગું પડશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકથી લઇ હેડકોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.