12, જાન્યુઆરી 2021
792 |
અમદાવાદ, રાજ્ય કોરોનાના કેસ ઘટતા ૧૦ મહિનાના લાંબા અંતરાય બાદ ફરી શાળાઓ ધમધમતી થઈ છે. જાેકે, શાળા ખોલવાની હજુ રાહ જાેવાની અને વેકેશન બાદ શાળા ખોલવાની જરૂર હતી તેવા વિપક્ષના વિરોધ સામે મહેસૂલ મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓ સાથે કોઈ ખીલવાડ કર્યો નથી. વિપક્ષ પાસે વિરોધ કરવા સિવાય કંઈ બચ્યું નથી. રાજ્યમાં ફરી શાળાઓમાં ધમધમાટ શરૂ થયો છે. અમદાવાદમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા વિવિધ જગ્યાએ મંત્રીઓ અને અધિકારીઓ પહોંચ્યા હતા. મહેસૂલ મંત્રી કૌશિક પટેલ નારણપુરાની નેશનલ સ્કૂલમાં, જ્યારે વિભાવરીબેન દવે સાણંદની સીકે વિદ્યાલયમાં, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વસ્ત્રાલની અર્પણ સ્કૂલમાં તો ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા હતા. નારણપુરાની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આવકારવા પહોંચેલા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં વર્તમાન સમયમાં કોરોનાને નાથવા આપણે મહદઅંશે સફળ રહ્યા છીએ. સ્કૂલો શરૂ કરવામાં ઉતાવળ કરી હોવાની દલીલ તેમજ વેક્સીનેશન બાદ શાળાઓ શરૂ કરવાના વિપક્ષની માંગણી પર તેમણે જણાવ્યું કે, સરકારે વિદ્યાર્થીઓ સાથે કોઈ ખીલવાડ નથી કરી. વિપક્ષ પાસે વિરોધ કરવા સિવાય કંઈ બચ્યું નથી. તેમને બોલવાની આદત છે. સરકાર સારું કામ કરી રહી છે.