અમદાવાદ-

પેટ્રોલ-ડિઝલના રેકોર્ડબ્રેક ભાવથી આમઆદમી પર મોંઘવારીનો માર પડવાની આશંકા વચ્ચે ખાદ્યતેલોમાં નવેસરથી તેજીએ માથુ ઉંચકયુ છે. સીંગતેલનો ડબ્બો 2450ની નવી ઉંચાઈએ પહોંચ્યો છે. કપાસીયાતેલનો ડબ્બો 1900 તથા પામોલીનનો ડબ્બો 1800ને વટાવી ગયો છે. નવા ઉંચાભાવ થતા ખાનાર વર્ગ ઉપરાંત ફરસાણ જેવા વેપારીઓમાં પણ ઉહાપોહ સર્જાવાના ભણકારા છે.વેપારીઓએ કહ્યું કે ખાદ્યતેલોની તેજીમાં એકથી વધુ કારણે ભાગ ભજવી રહ્યા છે. વિશ્ર્વબજારો તથા વાયદાબજારોમાં બેફામ તેજી છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદ્યતેલોમાં આત્મનિર્ભર થવાની સ્કીમ જાહેર કરવાનો નિર્દેશ કરતા માર્કેટમાં અસર હતી. આ વિધાનનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે સરકાર આયાત ઘટાડવા કાર્યવાહી કરશે. તેલઉદ્યોગ લાંબા વખતથી પામોલીન જેવા ખાદ્યતેલોની આયાત ઘટાડવાની માંગ કરી રહ્યો હતો. વડાપ્રધાને ખુદ તે દિશામાં નિર્દેશ કરવા તેજીની અસર થઈ હતી.

તેલ ઉદ્યોગના વર્તુળોએ એમ જણાવ્યું હતું કે ચીનમાં લાંબુ વેકેશન ખુલ્યુ છે. ફરી વખત સીંગતેલની ખરીદી શરૂ થવાની ગણતરીથી પણ ઘરઆંગણે ભાવો ટાઈટ થઈ ગયા છે.રાજકોટ માર્કેટમાં સીંગતેલ દસ કિલો લુઝનો ભાવ 1450 થી 1460 થયો હતો. ટેકસપેઈડ ડબ્બાનો ભાવ 2450ની નવી ઉંચાઈએ પહોંચી ગયો હતો. કપાસીયાતેલ દ્વારા દસ કિલો 1105 થયુ હતું. ટેકસપેઈડ ડબ્બાનો ભાવ 1900ને આંબી ગયો હતો. પામોલીન ડબ્બામાં પણ 1815નો નવો ઉંચો ભાવ જોવા મળ્યો હતો. આયાતી તેલોની તેજીની અસર હેઠળ વનસ્પતિ ઘીનો ડબ્બો પણ 1600ને વટાવી ગયો હતો. પેટ્રોલ-ડીઝલમાં સળંગ 12 દિવસ તેજી થઈ હતી. ધરખમ ઉંચા ભાવથી આમ આદમીમાં ઉહાપોહ હતો. હવે ખાદ્યતેલોની બેફામ તેજી ઉહાપોહ વકરાવે તેમ છે.