મુંબઇ
તાપસી પન્નુ એક પછી એક ફિલ્મ સાઈન કરી રહી છે. હવે તાપસી પન્નુ 'વો લડકી હૈ કહાં?'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વેબ સિરીઝ 'સ્કેમ 1992'થી લોકપ્રિય બનનાર પ્રતીક ગાંધી છે. આ ફિલ્મને સિદ્ધાર્થ રોય કપૂરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મને અરશદ સૈયદ ડિરેક્ટ કરશે. આ એક ઈન્વેસ્ટિગેટિવ કોમેડી છે. ફિલ્મમાં પ્રતીક ગાંધી બગડેલા નબીરાનો રોલ ભજવશે અને તાપસુ પન્નુ ચુલબુલી પોલીસ અધિકારી છે. આ ફિલ્મથી અરશદ સૈયદ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે.
પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂરે કહ્યું હતું, 'જ્યારે અરશદે અમને તેમની આકર્ષક તથા ફની પટકથા સંભળાવી તો અમને ખ્યાલ આવી ગયો કે આ ફિલ્મ તો બનવી જ જોઈએ. અમે તાપસી સાથે કામ કરવા માટે ઉત્સાહી છીએ. તે સ્ક્રીન પર એકદમ એનર્જી લાવી દે છે. પ્રતીકે 'સ્કેમ 1992'થી પોતાની કમાલની એક્ટિંગ બતાવીને આપણને આશ્ચર્યમાં મૂકી દીધા છે.'
ફિલ્મ અંગે તાપસી પન્નુએ કહ્યું હતું, 'અરશદે લખેલી વાર્તા ઘણી જ કમાલની છે. મારું પાત્ર મને ઘણું જ પસંદ આવ્યું હતું. પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર તથા પ્રતીક સાથે કામ કરવા આતુર છું. મને પ્રતીકની 'સ્કેમ 1992' ઘણી જ ગમી હતી.'
પ્રતીક ગાંધીએ કહ્યું હતું, 'હું આ ફિલ્મનો હિસ્સો બનીને ખુશ છું. તાપસી, અરશદ તથા સિડની ટીમ સાથે કામ કરવા ઉત્સુક છું. હું 'સ્કેમ' પછી કંઈક અલગ કરવા માગતો હતો. આ પાત્ર મારી અપેક્ષાએ ખરું ઊતર્યું છે. મને વિશ્વાસ છે કે આ ફિલ્મ ઘણી જ સારી બનશે અને શૂટિંગ ક્યારે શરૂ થાય એની આતુરતાથી રાહ જોઉં છું.'
ડિરેક્ટર અરશદ સૈયદ હાલમાં ફિલ્મના અન્ય કલાકારોની પસંદગી કરી રહ્યા છે. આ પહેલાં તેમણે 'અદાલત', 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2', વેબ સિરીઝ 'બ્રીધઃઈનટુ ધ શેડો' લખી હતી.
તાપસી પન્નુના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'હસીન દિલરુબા', 'જન ગન મન', 'રશ્મિ રોકેટ', 'લૂપ લપેટા', 'દોબારા' તથા 'શાબાશ મિઠુ'માં કામ કરી રહી છે.