રાજકોટ-

ઉત્તરાયણની લોકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી. કેટલીક જગ્યા પર લોકોની બેદરકારી પણ સામે આવી હતી. ત્યારે ઉત્તરાયણમાં પતંગની દોરીના કારણે અકસ્માત થયો હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મોત થયું હતું અને 32 લોકોને દોરના કારણે ઈજાઓ થવા પામી હોવાની માહિતી મળી રહી છે. જે યુવકનું મૃત્યુ થયું છે. તે યુવક મુંબઈમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મુંબઈમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો 21 વર્ષનો ઉત્સવ વ્યાસ લોકડાઉનના સમયે પોતાના પરિવારના સભ્યો પાસે રાજકોટમાં આવ્યો હતો. ઉત્તરાયણના રોજ ઉત્સવ પોતાનું મોપેડ લઇને બપોરના સમયે બાસુંદી લેવા માટે ગયો હતો. જ્યારે ઉત્સવ 50 ફૂટ રિંગ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. તે સમયે અચાનક તેના ગાળાના ભાગે પતંગની દોરી આવી ગઈ હતી. પતંગની દોરી ધારદાર હોવાના કારણે ઉત્સવનું ગળું ચિરાઈ ગયું હતું અને તેને ગંભીર ઈજા થવા પામી હતી. પતંગની દોરીના કારણે ઉત્સવ રસ્તા પર પટકાયો હતો.ગળાના ભાગે ગંભીર ઈજા થતા રસ્તા પર જ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. ઘટનાને પગલે આસપાસના રાહદારીઓ એકઠા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત થયેલા ઉત્સવને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ઉત્સવના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને કરી હતી. ઉત્સવના અવસાનના સમાચાર સાંભળીને પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. ઉત્સવ બે ભાઈમાંથી મોટો ભાઈ હતો અને તેના પિતા પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા.