/
પશુ૫ાલકો સાથે શિંગડાં ભરાવવા શાસકો સજ્જ

વડોદરા : શહેરમાં રખડતા પશુઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ મળે તે માટે ફરી એકવાર પાલિકાએ કરમ કસી છે. પાલિકાતંત્ર દ્વારા શહેરમાં બાકી રહેલા છ થી સાત હજાર પશુઓને આગામી ૩૦ દિવસમાં ટેગિંગની કામગીરી પૂરી કરવામાં આવશે અને ત્યાર પછી જાે કોઈ ટેગિંગ વગરનું ઢોર પકડાશે તો તેને છોડવામાં નહીં આવે તેમજ પાલિકાની ઢોરપાર્ટી અને પોલીસ દ્વારા પાંચ ટીમો બનાવી રાઉન્ડ ધ ક્લોક રખડતા ઢોર પકડવાની કામગીરી કરશે. આવતીકાલે પશુપાલકો સાથે એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, આજે શહેરને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત બનાવવા માટે સાંસદ, ધારાસભ્યો, પાલિકાના હોદ્દેદારો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, મ્યુનિ. કમિશનર, કલેકટર, પોલીસ કમિશનરની એક સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મુદ્‌ે ચર્ચા કરાઈ હતી. મેયરે જણાવ્યું હતું કે, શહેરમાં અંદાજિત ર૦૦૦ જેટલા પશુપાલક પરિવારો પાસે ૧૯ થી ર૦ હજાર જેટલી ગાય-ભેંસો છે. અનેક વખત પશુપાલકો દ્વારા તેમના પશુઓને રોડ પર છોડી દેવામાં આવે છે. પાલિકા દ્વારા પ્રથમ વખત ઢોર પકડાય તો ૬૨૦૦ દંડ અને રોજના ૧૦૦ મુજબ ખાધાખોરાકીના લેવાય છે. બીજી વખત પકડાય તો ૧૧૨૦૦ દંડ લેવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે, શહેરમાં ચાર ઝોન ખટંબા, જાંબુઆ, કરોડિયા અને છાણી એમ ચાર ઝોનમાં પશુઓને શિફટ કરવા માટે કલેકટર દ્વારા જમીન ફાળવવામાં આવી હતી. આ જગ્યાઓમાં પશુઓને કેવી રીતે શિફટ કરી શકાય કે જગ્યા ફાળવી શકાય તે માટે ચર્ચા ચરવા આવતીકાલે પશુપાલકોની સાથે બેઠકનું આયોજન કરાયું છે. આ ઉપરાંત પાલિકા દ્વારા જે પશુઓનું ટેગિંગ બાકી છે તેવા ૬૦૦૦ જેટલા પશુઓનું આગામી ૩૦ દિવસમાં ટેગિંગ કરાવી લેવા સૂચના આપવામાં આવશે.

જ્યારે જે પશુપાલકો પકડાયેલા પશુઓને છોડાવવા આવતા નથી તેમને પાંજરાપોળમાં શિફટ કરવામાં આવે છે. પાંજરાપોળને પશુદીઠ રૂા.૧૫૦૦ આપવામાં આવે છે, તે હવે રૂા. ૩૦૦૦ અપાશે, જ્યારે પાલિકા અને પોલીસ વિભાગની પાંચ સંયુક્ત ટીમો બનાવાશે અને આ ટીમોમાં બે ટીમો સવારે ૭ થી ૩, બે ટીમો બપોરે ૩ થી ૧૧ અને એક ટીમ રાત્રિના ૧૧ થી સવારના ૭ સુધી ઢોર પકડવાની કામગીરી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરીજનોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે પ્રયાસો કરાયા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ત્યારે હવે આ વખતના પ્રયાસો સફળ થશે કે કેમ તે આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution