વડોદરા, તા.૬

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નિધનથી સમગ્ર દેશમાં ઘેરાશોકની લાગણી ફરી વળી છે. લતા મંગેશકરની યાદો વડોદરા સાથે પણ જાેડાયેલી છે. એમ.એસ. યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૦૫માં આયોજિત પદવીદાન સમારોહમાં લતા મંગેશકરને ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. તેમની સાથે તે સમયના પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંગ આહલુવાલિયાને પણ ડોક્ટરેટની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારતરત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું આજે ૯ર વર્ષની વયે મુંબઈ ખાતે નિધન થતાં સમગ્ર દેશમાં ઘેરાશોકની લાગણી ફરી વળી હતી. લતા મંગેશકરની યાદો વડોદરા સાથે પણ જાેડાયેલી છે. લતા મંગેશકરને વર્ષ ૨૦૦૫ ઓક્ટોબર મહિનામાં યોજાયેલા પદવીદાન સમારંભમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા ડિલીટ (ડોકટરેટ)ની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

પદવીદાન સમારોહ પ્રસંગે વડોદરા આવેલા લતા મંગેશકરની મુલાકાત અંગેની યાદોને વાગોળતાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય મુકુંદભાઈ શાહે જણાવ્યું હતું કે, લતા મંગેશકરજી વડોદરામાં બે દિવસ માટે રોકાયાં હતાં અને આટલી મહાન વ્યક્તિની સાદગીએ તમામને પ્રભાવિત કર્યા હતા. યુનિ. દ્વારા પદવીદાન સમારોહની પૂર્વસંધ્યાએ યુનિ. દ્વારા કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પરંતુ તેમાં તેઓ ઉપસ્થિત રહ્યાં ન હતાં. પણ પદવીદાન સમારંભના દિવસે કાર્યક્રમના અડધો કલાક પહેલાં હોટલથી યુનિ. આવી ગયાં હતાં અને વાઈસ ચાન્સેલરની ઓફિસમાં બેસીને તમામ સાથે વાતચીત કરી હતી.

જ્યારે વડોદરામાંથી તેમણે સાડીઓ ખરીદવા માટે જણાવતાં કેટલાક સાડીના વેપારીઓને સાડીઓ લઈને હોટેલ ઉપર બોલાવ્યા હતા, જેથી વેપારીઓ સાડીઓ લઈને ગયા હતા, જ્યાં તેમણે સાડીઓની ખરીદી પણ કરી હોવાનું તેમણે કહ્યું હતું.

લતાજીએ વિશ્વભરમાં સૂરીલા કાન તૈયાર કર્યા

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન થતાં શ્રદ્ધાંજલિ અર્પતા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના ડીન અને સંગીતના સાધન પ્રો. રાજેશ કેપકરે કહ્યંુ હતું કે, કાનને સૂરીલા કરીને બધા વિકારોથી પોતાની જાતને મુક્ત કરે છે તે સંગીત છે. સૂરીલું સંગીત સાંભળો અને તેની સાથે શબ્દો અને લયની વિવિધતા જાેડાય એટલે બાળકથી લઈને વયોવૃદ્ધ સુધી માણી શકે તેવું અલગ અલગ પ્રકારનું સંગીત પેદા થાય તેવા વિશ્વભરમાં સૂરીલા કાન લતાજીએ તૈયાર કર્યા તેમ કહ્યું હતું.

મહાન વ્યક્તિ હોવા છતાં અત્યંત સૌમ્ય અને પ્રેમાળ હતાં

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પતા સુપ્રસિદ્ધ ગાયિકા વત્સલા પાટીલે જણાવ્યું હતું કે, લતા મંગેશકર મહાન વ્યક્તિ હોવા છતાં અત્યંત સૌમ્ય અને પ્રેમાળ સ્વભાવનાં હતાં. તેમને સહેજ પણ અભિમાન ન હતું. લતાજીએ ભારતની લગભગ તમામ ભાષાઓમાં ગીતો ગાયાં અને દરેક ભાષાનું ગીત પોતાનું કરીને દેખાડ્યું. તેમણે જે અભિનેત્રી માટે ગીત ગાયું તે ગીત જાણે અભિનેત્રી જાતે જ ગાતી હોય તેવી રીતે ગાયું. લતાજી જે ગીતો ગાઈને ગયાં છે, આ ગીતોનો વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ કરશે તો પણ પૂર્ણ સંગીતનો અભ્યાસ કર્યાનું કહી શકાશે. તે સંગીતનું એક સંપૂર્ણ વિદ્યાપીઠ હતાં તેમ તેમણે કહ્યું હતું.