રાજપીપળા, તા.૮

કોરોના મહામારીમાં ૭૬ દિવસના લોકડાઉનમાં ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા.સરકારે અનલોક -૧ માં ૮ મી જૂનથી મોલ, હોટલો, ધાર્મિક સ્થળો ખોલવા નિયમોને આધીન પરવાનગી આપી છે.નર્મદા જિલ્લાના રાજપીપળામાં સુપ્રસિદ્ધ ૪૦૦ વર્ષ જૂનુંહરસિદ્ધિ માતાનું મંદિર પણ ૭૬ દિવસ બાદ ખોલવામાં આવ્યું હતું. 

મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ અને સરકારના દરેક નિયમનું પાલન કરવામાં આવ્યું હતું.માતાજીની સવાર સાંજની આરતી પણ સમયસર ચાલુ કરવામાં આવી.પ્રથમ દિવસે સવારની આરતીમાં ભક્તોએ માતાજીના દર્શન કરવા માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું.જો કે મંદિરમાં પ્રસાદ કે અન્ય ચઢાવો લાવવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. 

શ્રી નીલકંઠ ધામ પોઇચા મંદિર તારીખ ૮ નહીં પણ ૧૨ જૂન ૨૦૨૦ ના રોજ ખોલવામાં આવશે.શ્રી નીલકંઠ ધામ પોઇચા મંદિરના કોઠારી કેવલ દાસજી સ્વામીના જણાવ્યા મુજબ નિલકંઠધામ ફક્ત મંદિર દર્શન જ ખુલશે.ભગવદ્‌ દર્શન સવારના ૫-૩૦ થી ૧૨-૦૦ અને બપોરે ૩-૩૦ થી રાત્રે ૮-૦૦ દરમિયાન થઈ શકશે.પરંતુ જોવા જાણવા અને માણવા લાયક સહજાનંદ યુનિવર્સ પ્રદર્શન તથા એન્જોય પાર્ક, સ્વિમિંગ પૂલ, નેચરલ પાર્ક વગેરે ખુલશે નહીં.મંદિર દર્શનમાં પણ સરકારની ગાઈડલાઈન અનુસાર માસ્ક પહેરીને સેનેટાઈઝ થઈને જ ભક્તો આવશે.