વડોદરા, તા.૨૩

શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં રીઢો ઘરફોડિયો સિકલીગર ગેંગના આરોપીની રાવપુરા પોલીસે પાસા હેઠળ અટકાયત કરીને તેને ભાવનગર ખાતેની જેલમાં મોકલી આપ્યો હતો.

આ અંગે મળતી વિગત મુજબ શહેરના દંતેશ્વર રેલવે કોલોની પાછળ અનુપમનગરમાં રહેતો રીઢો ઘરફોડિયો જાેગિન્દર સિંગ ગુરુમુખસિંગ સિકલીગર (ઉં.વ.૩પ) ચોરીના ગુનામાં સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. તેને ગઈકાલે અદાલતી જામીન મેળવી તે સેન્ટ્રલ જેલમાંથી જામીન પર છૂટયો હતો. આ બનાવની જાણ રાવપુરા પોલીસને થતાં રાવપુરા પોલીસે તેની વિરુદ્ધ નોંધાયેલા ગુના અંતર્ગત તેની જેલમાંથી બહાર આવતી વેળા જ પાસા હેઠળ અટકાયત કરી હતી. તે બાદ તેની વિરુદ્ધ ડેન્જર્સ પર્સન તરીકે પાસાના કાગળો તૈયાર કરી પોલીસ કમિશનર સમક્ષ હાજર કરી તેને ભાવનગર ખાતેની જેલમાં પાસા હેઠળ મોકલી આપ્યો હતો.