ગાંધીનગર, ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રતિક ઉપવાસ અને ધરણા શરૂ કરાયા છે. જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ધરણા શરૂ કરાયા છે. ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલા ઉપવાસ છાવણી ધરણાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પણ જાેવા મળ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના નેતાઓ અને ધારાસભ્યો સ્ટેજ ઉપર હાજર જાેવા મળ્યા. એક નાના સ્ટેજ ઉપર કોંગ્રેસના ૨૦ થી ૨૫ નેતાઓ બેસતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કોરોનાની ગાઇડલાઇનનું કોઈ પાલન સ્ટેજ ઉપર ન કરાયું. કોવિડ ગાઇડલાઇનનો સરેઆમ ભંગ જાેવા મળ્યો. ગુજરાત કોગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ધરણા વિશે કહ્યું કે, ખેડૂતો ઘરનું ખાઇ કડકડતી ઠંડીમાં આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો ટેકાના ભાવની માંગણી કરી રહ્યા છે. શા માટે સરકાર ટેકાના ભાવનો ખુલાસો કરતી નથી. સરકાર ગુમરાહ કરી રહી છે. આજે પણ ખેડૂત ઇચ્છે ત્યાં પોતાનું ઉત્પાદન વેચી શકે છે. ખેડૂતો નવા વિધેયકની માંગ નથી કરતા. સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ પાડવાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે, હરિયાણા અને મધ્યપ્રદેશમાં સરકાર કહે છે કે અન્ય રાજ્યોમાંથી ખેડૂતો અહીંયા અનાજ વેચવા આવશે તો એમને અમે બંધક બનાવીશું. આનાથી સ્પષ્ટ થાય છે કે આ કાયદો ખેડૂત વિરોધી છે અને એ માટે કોંગ્રેસ સમર્થન કરી રહી છે અને કરતી રહેશે. આ રાજકીય મુદ્દો નથી પણ ખેડૂતોનો મુદ્દો છે જે માટે અમે એમની સાથે છીએ. 

ભારત બંધને ગુજરાતના ખેડૂતોનું સમર્થન

દિલ્લી ખાતે કેન્દ્રીય કૃષિ કાયદાનો ૧૧ દિવસથી વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ ૮ તારીખે કેન્દ્રીય કૃષિ કાયદામાં ભારત બંધનું એલાન આપ્યું છે. હવે ગુજરાત રાજ્યના વિવિધ ખેડૂત અગ્રણીઓએ પણ રવિવારે ડ્રાઈવ ઇન રોડ ખાતે બેઠક યોજી પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. રાજ્યના અલગ અલગ ૧૭ ખેડૂત સંગઠનો હાજર રહીને ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરીને ૮ ડીસેમ્બરના ભારતના બંધના એલાન પાડીને સમર્થન અંગે રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. રાજ્યના વિવિધ સ્થળોએ ગુજરાતના ખેડૂતો ૧૦ તારીખે ધરણા દ્વારા વિરોધ કરવા માટે પણ તૈયારી આરંભી દીધી છે.૧૧ તારીખે ગાંધીનગર ખાતે ખેડૂત સંસદ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના કૃષિ નિષ્ણાતો, સહકારી આગેવાન, ખેડૂતો આગેવાન સહિતના સાથે કાયદાના અંતર્ગત વિચાર વિમર્શ કાર્યક્રમ આપીને કાયદાનો વિરોધ કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.