દિલ્હી-

કોરોનાને કારણે યુરોપની અર્થવ્યસ્થાને મોટો ઝાટકો લાગ્યો છે. યુરોપિયન યુનિયનના 27 સભ્યદેશોની અર્થવ્યસ્થામાં 12.1 ટકાનો ઘટાડો થયો છે. યુરોઝોનની અર્થવ્યસ્થા સતત બીજી વખત નબળી પડી છે. ગત ક્વાર્ટર દરમિયાન તેમાં 3.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હવે દ્વિતીય ક્વાર્ટરમાં હાલત વધુ ખરાબ થઇ ગઈ છે. આમ સ્પષ્ટ થઇ ગયું છે કે યુરોપિયન યુનિયન આર્થિક મંદીના વમળમાં ફસાઈ રહ્યું છે.

ગયા નાણાકીય વર્ષમાં યુરોઝોનની ઇકોનોમી 12 ટ્રિલિયન યુરો હતી. 12.1 ટકાના ઘટાડાનો અર્થ એ છે કે તે 145 અબજ યુરો એટલે કે 170 અબજ ડોલર ઘટી ગઈ છે. આ આંકડો ગ્રીસના વાર્ષિક જીડીપી બરાબર છે.વાર્ષિક ધોરણે ઇયુના અર્થતંત્રમાં 14.4% અને યુરોઝોન અર્થવ્યવસ્થામાં 15% ઘટાડો થયો છે, જે નોંધાયેલ સૌથી તીવ્ર સંકોચન છે. 

ક્વાર્ટરમાં સ્પેનિશ અર્થતંત્રમાં 18.5 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે પ્રથમ છ મહિનામાં એકંદર ઘટાડો 22 ટકા હતો. ફ્રેન્ચ અર્થતંત્રને પણ ભારે ફટકો પડ્યો. પ્રથમ ક્વાર્ટરમાં આ યુરોપિયન દેશની અર્થવ્યવસ્થામાં 13.8 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેમાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

જો યુરોપિયન યુનિયન આર્થિક મોરચે નિષ્ફળ જાય તો ઇયુ સામાજિક અને સંગઠન મોરચે પણ નિષ્ફળ જશે. જર્મની અને આર્થિક મંદીનો સામનો કરી રહેલા દેશો વચ્ચે વધતું અંતર ઇયુમાં મોટા ફેરફારો લાવી શકે છે .કોરોના રોગચાળા પછી યુરોપિયન યુનિયનમાં મોટું વિભાજન થઈ શકે તેવી સંભાવનાને નકારી શકાય નહીં.