વડોદરા,તા.૨૮

વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તે રખડતા ઢોરને પકડવાની ટીમ વધારીને ૯ કરવામાં આવી છે. ત્યારે બુધવારેે એક જ દિવસમાં કુલ ૭૯ રસ્તે રખડતા ઢોરો પાંજરે પૂરવામાં આવ્યા હતા.જ્યારે આજે પ્રથમ શીફ્ટમાંજ ૩૪ ઢોર પકડવામાં આવ્યા હતા. જ્યારે આજે વધુ ૨૫૧ પશુઓનુ ટેગીંગ કરવામાં આવ્યુ હતુ. પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રસ્તે રખડતા ઢોર મામલે ટકોર કરી હતી કે, રસ્તે રખડતા ઢોર જાેવા ન મળે તે પ્રમાણેનું વાતાવરણ ઊભું કરજાે.તેમની આ સૂચનાના પગલે મેયરેએ મ્યુનિસિપલ કમિશનરને ઢોર પકડવાની કામગીરી અસરકારક કરવા આદેશ આપ્યા હતા. જેના પગલે રસ્તે રખડતા ઢોર પકડનારની દૈનિક પાંચ ટીમ હતી તેને વધારીને ૧૧ કરી દેવામાં આવી હતી. કોર્પોરેશન અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા બુધવાર થી રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરીમાં વધુ સધન બનાવી દેવામાં આવતા સવારે પ્રથમ શિફ્ટમાં ૩૫થી વધુ જ્યારે રાત્રે અંતિમ શિપમાં ૧૭ મળી દિવસ દરમિયાન કુલ ૭૯ રસ્તે રખડતા ઢોર પકડીને પાંજરે પૂરવામાં આવ્યા હતા. આ આંકડો અત્યાર સુધીનો સર્વોચ્ચ હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે આજે સવાર થી બપોર સુધીની પ્રથમ શીફ્ટમાંજ વધુ ૩૪ રખડતા પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા હતા. રખડતા ઢોર પકડવાની કામગીરી સાથે પાલિકા દ્વારા બાકી રહેલા પશુઓનુ ડોર-ટુ-ડોર ટેીગીગની કામગીરી પણ સધન બનાવવામાં આવી છે. ત્યારે આજે વધુ ૨૫૧ જેટલા પશુઓનુ ટેગીંગ કરવામાં આવ્યુ હતુ. આમ તા.૧૧ મીથી અત્યાર સુધીમાં કુલ ૫૪૦૯ પશુઓનુ ટેગીંગ કરવામાં આવ્યુ છે. જ્યારે તા.૪ થી રસ્તે રખડતા ઢોરો પકડવાનુ શરૂ કરેલા અભીયાનમાં અત્યાર સુધીમાં ૮૪૦ જેટલા પશુઓને પકડવામાં આવ્યા છે.જેમાં ૬૦ પશુઓને દંડ વસૂલીને છોડવામાં આવ્યા છે. જ્યારે ૩૪ જેટલા પશુપાલકો સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છેે.

જાહેર માર્ગ ઉપર રખડતાં ઢોરોના માલિક સામે પોલીસમાં ફરિયાદ

વડોદરા, તા.૨૮

શહેરના માંજલપુર અને મકરપુરા હદ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર રખડતા ઢોરોને ઢોરડબ્બા શાખાએ પકડીને ઢોરમાલિક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પાલિકાના દબાણ અને સિકયુરિટી વિભાગના ઢોરપાર્ટી ઈન્સ્પેકટર ગોહિલ તેમના સ્ટાફ અને પોલીસ સાથે માંજલપુર વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર રખડતાં ઢોરોને પકડવા માટે નીકળ્યા હતા, તે અરસામાં દીપ ચેમ્બર પાસેથી એક ગાય મળી આવતાં પકડીને લાલબાગ ઢોરડબ્બામાં પૂરવામાં આવી હતી. દરમિયાનમાં પશુને છોડાવવા માટે આવનાર પશુમાલિક ફુલાભાઈ મેઘાભાઈ રબારી (રહે. મારુતિધામ, દંતેશ્વર) અને માણેજાના અયોધ્યા ટાઉનશિપ પાસે આવેલ પોદાર સ્કૂલ પાસેથી બે ગાયોને પકડી ઢોરડબ્બામાં પૂરી હતી.

આ બંને ગાયોને છોડાવવા આવનાર ભીખાભાઈ મંગળભાઈ ફુલમાળી (રહે. યાજ્ઞિકનગર, ગણેશનગર પાસે, મકરપુરા) સામે ઢોરડબ્બા શાખામાં માર્કેટ સુપ્રિ. ડો. વિજય પંચાલે મકરપુરા પોલીસ મથક અને માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.