વડોદરા ઃ શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતાં ટ્રીટમેન્ટ વિનાના ગંદા પાણીને બંધ કરવાની યોજના અંગે સ્થાયી સમિતિમાં નિર્ણય લેવામાં આવશે. આ માટે પાલિકાએ કેન્દ્ર સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી છે. નદીમાં છોડાતા ગટરના ગંદા પાણીને બંધ કરવા માટે જુદી જુદી યોજના માટે રૂા.૫૫૧ કરોડના ખર્ચનો અંદાજ છે.
પાલિકાની હદમાં ૨૦૧૯થી નવા ગામોનો સમાવેશ કરાયા બાદ અગાઉ ૧૫૯ ચો.કિ.મી.નો વિસ્તાર વધીને રર૦ ચો.કિ.મી.નો થયો છે. શહેરની વસતીમાં પણ વધારો નોંધાયો છે. શહેરમાંથી ૧૭ કિ.મી. લાંબી વિશ્વામિત્રી પસાર થાય છે. ત્યારે અનેક વિસ્તારના રહેશો ઉપરાંત ખુદ પાલિકા પણ ટ્રીટમેન્ટ કર્યા વિનાનું ગંદું પાણી શહેરમાં છોડે છે, જેના લીધે નદીની આસપાસના વિસ્તારોમાં ગંદકી, અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ થાય છે.
ગટર ગંગા બનેલી વિશ્વામિત્રીમાં સુએઝનું પાણી જતું બંધ કરવા માટે પાલિકા દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પમ્પિંગ સ્ટેશન અને ડ્રેનેજ નેટવર્ક વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે માટે નાણાકીય ભંડોળની જરૂર છે. કેન્દ્ર સરકારના નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન અંતર્ગત વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષણ રોકવા માટે જરૂરી કામગીરી કરવામાં આવે છે.
એનઆરસીપી અંતર્ગત નદીમાં પ્રદૂષણ રોકવા અને નદીના શુદ્ધિકરણ માટે નાણાકીય સહયોગ લેવા પ્રોજેક્ટ ફન્ડિંગ અંગેની યોજના સંદર્ભે દરખાસ્ત પાલિકા દ્વારા શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગને મોકલવા જણાવાયું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રાથમિક ધોરણે વડોદરાથી આસોજ સુધીની યોજનાકીય દરખાસ્ત રજૂ કરવા જણાવાયું છે. નદીમાં ઠલવાતા ગટરના ગંદા પાણી બંધ કરવાનો અંદાજિત ખર્ચ રૂા.પપ૧ કરોડ થશે.