15, જુલાઈ 2020
693 |
અરવલ્લી,તા.૧૪
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના ગ્રામીણ નાગરિકો સહિત સામાન્ય માનવીની અપેક્ષાઓ સંતોષાય અને સરકારનું તંત્ર લોકોની સારી સેવા કરી શકે તેવું વાતાવરણ સુવિધાસભર ભવનોના નિર્માણથી સરકારે કર્યુ છે. તેમણે ઉમેર્યુ કે, આવા ભવનો-સેવાસદનોમાં પોતાના કામકાજ માટે આવનારો અરજદાર, રજૂઆત કર્તા પોતાનું કામ થવાના વિશ્વાસ અને શાતા સાથે પરત જાય તેવી કાર્ય સંસ્કૃતિ ગુજરાતમાં વિકસી છે. મુખ્યમંત્રી રાજ્યના પંચાયત-ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે અમરેલી જિ. પંચાયત, ડોલવણ,થરાદ અને ભિલોડા તાલુકા પંચાયતોના કુલ ર૬ કરોડ ૧૭ લાખના ખર્ચે નિર્માણ પામેલા નવા ભવનોના ગાંધીનગરથી ઇ-લોકાર્પણ અવસરે સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગાંધીજીના ગ્રામ સ્વરાજ્ય અને પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના પંચાયતી રાજ્ય વ્યવસ્થાના ખ્યાલને ગુજરાતે ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થાના અસરકારક અમલથી સાકાર કર્યો છે. રાજ્યના ગામોને આત્મા ગામનો સુવિધા શહેરોની એવી વ્યવસ્થા-સુવિધા આપીને વિકાસ છેવાડાના માનવી સુધી પહોચાડયો છે.