22, સપ્ટેમ્બર 2025
દુબઈ |
3168 |
પાકિસ્તાનને પછાડ્યા બાદ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું
એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં પાકિસ્તાન સામે પરાજિત કર્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આશ્ચર્યજનક નિવેદન આપ્યું જેની હવે ચર્ચા થવા લાગી છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે કોઈ રાઈવલરી રહી નથી.
ભારતની આ જીત પાકિસ્તાન સામે વ્હાઇટ બોલ ક્રિકેટમાં સતત સાતમો વિજય હતો. અત્યાર સુધીમાં, બંને ટીમો 15 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સામ-સામે રમી છે, જેમાંથી ભારતે 12 વખત જીત મેળવી છે. પાકિસ્તાને ફક્ત ત્રણ વખત જીત મેળવી છે. આ એકતરફી રેકોર્ડ 2022 વર્લ્ડ કપ પછી જ વધ્યો છે.
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, એક પત્રકારે સૂર્યાને પૂછ્યું કે શું આ વખતે પાકિસ્તાની ટીમ વધુ સ્પર્ધાત્મક હતી. તો સૂર્યકુમારે કહ્યું કે, મને લાગે છે કે તમારે રાઈવલરી વિશે પ્રશ્નો પૂછવાનું બંધ કરવું જોઈએ, કારણ કે રાઈવલરી ત્યારે થાય છે જ્યારે બંને ટીમો 15-20 મેચ રમે છે અને એક ટીમ 8-7 થી આગળ હોય છે ત્યારે તેને સારું ક્રિકેટ અથવા રાઈવલરી કહેવામાં આવે છે. પરંતુ જ્યારે એકતરફી પરિણામો હોય ત્યારે તેને ફક્ત સારું ક્રિકેટ કહેવામાં આવે રાઈવલરી નહીં. સૂર્યાએ કહ્યું કે 3-0, 10-1... મને ખબર નથી કે આંકડા શું કહે છે પણ હવે કોઈ રાઈવલરી રહી જ નથી.'