રાજકોટ-

કોરોનાને હરાવનારા દર્દીઓને મ્યુકરમાઈકોસિસ નામની બ્લેક ફંગસની સમસ્યા વધતી જઈ રહી છે. રાજકોટમાં આ ફંગસના ૨૦૦ જેટલા દર્દીઓ હોવાનું કહેવાઈ રહ્યું છે. જે દેશમાં કોઈ એક હોસ્પિટલમાં સૌથી વધુ કેસ છે. એઈમ્સના ડિરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ બ્લેક ફંગસના વધતા દર્દીઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વધી રહેલા મ્યુકરમાઈકોસિસના કેસોને ધ્યાનમાં લઈને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધારાના ૫૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે રાજકોટના સિવિલ સર્જન ડૉ આરએસ ત્રિવેદીના જણાવ્યા મુજબ, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હાલના દિવસોમાં મ્યુકરમાઈકોસિસના ૨૦૦ કેસ છે. જે અન્ય શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા અને સુરતની સરખામણીમાં સૌથી વધુ છે. વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે વધુ ૫૦૦ બેટની વ્યવસ્થા કરવામાં આવી છે.બ્લેક ફંગસના દર્દીઓને લગભગ દોઢ મહિના સુધી હોસ્પિટલમાં રાખવા પડે છે. આ માટે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા અને ઓપીડી બિલ્ડિંગને રિઝર્વ રાખવામાં આવશે. ડૉક્ટરોનું કહેવું છે કે, ડાયાબિટીશની સાથે કોરોના સંક્રમણની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સ્ટેરૉઈડના કારણે મ્યુકરમાઈકોસિસના કેસો સતત વધી રહ્યાં છે.

એમ્સજીના ડિરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ રાજકોટમાં વધી રહેલા મ્યુકરમાઈકોસિસના કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ સંદર્ભે તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી છે.આ ચર્ચામાં તેમણે જણાવ્યું કે, દેશમાં સંભવતઃ મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટમાં છે. આ બ્લેક ફંગસને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તરફથી લેવાયેલા પગલાની તેમણે સરાહના કરી છે. કોરોનાની સારવાર દરમિયાન ઑક્સિજન લેનારા દર્દીઓને મ્યુકરમાઈકોસિસની આશંકાને ફગાવતા તેમણે કહ્યું કે, બ્લેક ફંગસનું મુખ્ય કારણ ડાયાબિટીસના દર્દીઓમાં સ્ટેરૉઈડનો ઉપયોગ છે. આ ચર્ચા દરમિયાન તેમણે ફંગસની સારવાર માટે લાઈકોસોમલ નામની દવાનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. આ સાથે જ ગાઈડલાઈન મુજબ જ સારવાર કરવી જાેઈએ.