22, સપ્ટેમ્બર 2025
મોસ્કો |
2871 |
ક્રીમિયામાં એક રિસોર્ટને નિશાન બનાવ્યું
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે તેની ચરમસીમાએ પહોંચી ગયું છે, જેમાં બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. તાજેતરમાં યુક્રેને ક્રિમીયા પર ડ્રોન હુમલો કર્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાની માહિતી આપતા જણાવ્યું કે એક રિસોર્ટને નિશાન બનાવીને કરાયેલા આ હુમલામાં બે લોકોનાં મોત થયાં છે અને 15 લોકો ઘાયલ થયા છે. રશિયાએ આ હુમલાને ઉશ્કેરણીજનક અને તણાવ વધારનારી કાર્યવાહી ગણાવીને યુક્રેનના આ કૃત્યને રશિયાના રહેણાક વિસ્તારમાં કરાયેલ સુનિયોજિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે.
ક્રિમીયામાં રશિયાના સેના પ્રમુખ, સર્ગેઈ અક્સ્યોનોવે યુક્રેનના હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, 'યુક્રેને ફોરોસ શહેરમાં એક સેનેટોરિયમ પર ડ્રોન હુમલો કર્યો અને ફોરોસની એક સ્કૂલ પર પણ ડ્રોન પડ્યું, જેનાથી ખાલી મેદાનમાં આગ લાગી ગઈ. આ હુમલા પર યુક્રેને હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. નોંધનીય છે કે 2014થી ક્રિમીયા રશિયાના કબજામાં છે અને તે રશિયાનો ભાગ બની ગયો છે. 1991માં પણ ક્રિમીયા ચર્ચામાં હતું, જ્યારે સોવિયેત રશિયાના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવને ફોરોસમાં નજરકેદ કરાયા હતા.