વલસાડ-

જિલ્લામાં અનેકવાર જુદા જુદા ઠેકાણેથી નશાનો કારોબાર ઝડપાયો છે, પરંતુ આ વખતે જે જથ્થો મળ્યો તે બિનવારસી છે. યુવાધનને બરબાદ કરવા માટે અવારનવાર ગાંજો, ચરસ અને દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. આવા સમયે પોલીસની નાક નીચેથી પણ બુટલેગરો ગોરખધંધો કરવાનું ચાલુ રાખે છે. પોલીસને જેટલી જાણકારી મળી છે, તેમાં પણ કૈંક આવું જ થયાનું જણાય છે.

અગાઉ પણ બન્યું છે એમ વલસાડ જિલ્લામાં ફરીવાર નશાના કાળાબજારનો પર્દાફાશ થયો છે. વલસાડ નજીક આવેલા વેજલપુર ગામમાં બીનવારસી કાર અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને પોલીસે અહીં આવી તપાસ કરી તો આંખો પહોંળી થઈ ગઈ. કારણ કે કારમાં પડ્યો હતો મોટી માત્રામાં ગાંજો. કારમાં રાખેલા થેલા અને ડ્રમમાં 36 કિલોગ્રામ એટલે કે અંદાજિત ત્રણેક લાખ રૂપિયા સુધીની કિંમતના ગાંજાને પોલીસે જપ્ત કર્યો છે. 

આ આખી ઘટનાને ગંભીરતાથી લઇ અને કાર અને ગાંજાને કબજે કરી પોલીસ સ્ટેશને લાવ્યા હતાં. અત્યારે પોલીસે આ બિનવારસી ગાંજો મૂકી જનારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.. અને આ કાર કોની છે, ગાંજો અહીંયા કેવી રીતે આવ્યો,  અને ગાંજાના નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે, તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ માટે આ કોયડો છે કે, કારમાં જ ગાંજો લાવ્યા હતા કે બીનવારસી કાર જોઈ પોલીસના ડરથી છૂપાવી ગયા હશે. આ બીનવારસી ગાંજા અને કારના માલિકની શોધમાં પોલીસ લાગી ગઈ છે.