15, ડિસેમ્બર 2020
2574 |
દિલ્હી-
અમેરિકાની એક કોર્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ કરવામાં આવેલા દસ કરોડ ડૉલરના કેસને ફગાવી દેવામાં આવ્યો છે. આ કેસ એક અલગાવવાદી કાશ્મીરી -ખાલિસ્તાની જુથ અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા નોંધાવવામાં આવ્યો હતો. અરજીકર્તાઓ સુનાવણી દરમિયાન બે વાર ગેરહાજર રહ્યાં હતાં ત્યાર બાદ કોર્ટે આ કેસ જ ફગાવી દીધો હતો.
ટેક્સાસના હ્યૂસ્ટનમાં 19 સપ્ટેમ્બર, 2019ના રોજ આયોજીત થયેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. અરજીમાં ભારતની સંસદના ર્નિણયને પડકારવામાં આવ્યો હતો જેને અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવી દેવામાં આવી હતી. અરજીકર્તાઓએ મોદી, શાન અને લેફ્ટિનેંટ જનરલ કંવલજીત સિંહ ઢિલ્લો સામે વળતરના ભાગરૂપે 10 કરોડ ડૉલરની માંગણી કરી હતી.
ઢિલ્લો વર્તમાનમાં ‘ડિફેંસ ઈન્ટેલિજેન્સ એજન્સી’ના ડાયરેક્ટર છે. અમેરિકાના દક્ષિણ ટેક્સાસ ડિસ્ટિક્ટની કોર્ટના ન્યાયાધિસ ફ્રાંસેસ એચ સ્ટેસીએ છ ઓક્ટોબરે સંભળાવેલા પોતાના આદેશમાં કહ્યું હતું કે, ‘કાશ્મીર ખાલિસ્તાન રેફરેંડમ ફ્રંટ’એ આ કેસને આગળ ધપાવવા માટે કંઈ જ કર્યું નથી અને સુનાવણી માટે 2 વાર નક્કી કરવામાં આવેલી તારીખે ગેરહાજર રહ્યાં હતાં.