10, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
3267 |
INDIA ગઠબંધનના વોટ બેન્કમાં મોટુ ગાબડું પડ્યું
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનની જીત આમ તો નિશ્ચિત હતી, પરંતુ વિપક્ષી INDIA ગઠબંધનને અસલી આંચકો લાગ્યો છે. તેમના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને માત્ર 300 વોટ મળ્યા, જ્યારે વિપક્ષી ગઠબંધને 315 વોટની ગણતરી કરી હતી.ત્યારે ક્રોસ વોટિંગ કરનારા 15 સાંસદો કોણ? વિપક્ષ દ્વારા તેની તપાસ કરાઈ રહ્યાંનું જાણવા મળે છે.
અહેવાલો મુજબ વિપક્ષી નેતાઓને આશા હતી કે સુદર્શન રેડ્ડીને 315થી 324 સુધી વોટ મળી શકે છે. પરંતુ પરિણામો બાદ વિપક્ષને આશા હતી તેનીથી 15 વોટ વિપક્ષી છાવણીમાંથી NDA તરફ વળ્યા છે. કેટલાક વોટ જાણીજોઈને ગેરકાયદેસર જાહેર કરાયા હોવાનું પણ કહેવાય છે. પરિણામો આવ્યા બાદ વિપક્ષી છાવણીમાં ગદ્દારો કોણ ? તેની શોધ શરૂ થઈ ગઈ છે.
આમ આદમી પાર્ટી અને મહારાષ્ટ્રમાં શિવસેના (UBT) તથા NCP (શરદ પવાર) જૂથો પર ક્રોસ વોટિંગ સંદર્ભે સૌથી વધુ આંગળીઓ ઉઠી રહી છે. રાજસ્થાનથી એક સાંસદ અને તમિલનાડુમાંથી આવેલા વોટ પર પણ ચર્ચા થઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટી વ્હિપ લાગુ થતો નથી, તેથી નેતાઓ માટે ક્રોસ-વોટિંગ કરવું સરળ બની ગયું હતુ.
આ ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 781 હતી, જેમાંથી 767 મતદારોએ મતદાનમાં ભાગ લીધો. મતગણતરીમાં 752 વોટ માન્ય અને 15 ગેરકાયદેસર જાહેર થયાં હતા.