08, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
3366 |
ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું હવે મોંઘું થશે?
તાજેતરમાં કેન્દ્ર સરકારે GST દરોમાં ફેરફારનો નિર્ણય કર્યો છે. જેના જીવન જરૃરી વસ્તુઓ ઉપરાંત ટીવી-ફ્રિજથી લઈને નાની કાર સુધીની ઘણી ચીજો દેશમાં સસ્તી થવા જઈ રહી છે, જે દેશના નાગરિક માટે સારા સમાચાર છે. જોકે, આ ફેરફાર સાથે જ GST કાઉન્સિલે મોટો નિર્ણય લીધો છે. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ દ્વારા વસૂલાતી ડિલિવરી ફી પર 18 ટકા GST લગાવવાનો નિયમ લાગુ કર્યો છે, જેને લીધે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થશે. આ બદલાવથી ઓનલાઈન ઓર્ડર લઈને ફૂડ ડિલિવરી કરતી ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ પર અંદાજે ₹180 થી ₹200 કરોડનો વધારાનો નાણાકીય બોજ આવી શકે છે, જેના કારણે તેમણે તેમની વ્યવસાયિક વ્યૂહરચનામાં બદલાવ લાવવો પડી શકે એમ છે.
અત્યાર સુધી ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્સે ડિલિવરી ફી પર GST ચૂકવવો પડતો ન હતો, તેની જવાબદારી ડિલિવરી પાર્ટનરની ગણાતી હતી. હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ દ્વારા સ્થાનિક ઈ-કોમર્સ ડિલિવરી સેવાઓને CGST કાયદાની કલમ 9(5) હેઠળ લાવી દેવામાં આવી છે, જેને લીધે હવે ઇ-કોમર્સ ઓપરેટરે ડિલિવરી ફી પર સીધો કર વસૂલવો પડશે. તાજેતરની સ્પષ્ટતા બાદ પ્લેટફોર્મે તેને પોતાની આવક માનીને ટેક્સ ચૂકવવો પડશે.