08, સપ્ટેમ્બર 2025
વડોદરા |
3267 |
વિશ્વામિત્રીની સપાટી ધટીને 16.50 ફૂટે : આજવાની સપાટી 213.66 ફૂટ
વડોદરામાં શનિવારે રાત્રે આજવાના 62 દરવાજામાંથી પાણી છોડવાનું બંધ કરવાની સાથે સાથે વરસાદે પણ વિરામ પાળતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં હવે ધીમેધીમે લેવલ શરૂ થતા શહેર ઉપરથી હાલ પૂરનો ખતરો ટળ્યો છે. રવિવારે બપોરે વિશ્વામિત્રીનું લેવલ 22 ફૂટને લગોલગ પહોંચ્યું હતુ. તેમાં હવે ધટાડો થતાં આજે સવારે 12 વાગે નદીની સપાટી 16.80 ફૂટે પહોંચી છે. જ્યારે આજવાની સપાટી 213.66 ફૂટે પહોંચી છે.આમ સપાટી ધટતાં તંત્રે અને લોકોએ રાહત અનુભવી છે.
વડોદરા કોર્પોરેશને વિશ્વામિત્રીનું લેવલ 22 ફૂટ સુધી જાળવી રાખવાનું કહ્યું હતુ. અને તે મુજબ આજવામાંથી શનિવારે રાત્રે પાણી છોડવાનું બંધ કરવામાં આવતા પાણીનો ઘટાડો શરૂ થયો હતો. આજે સવારે વિશ્વામિત્રીનું લેવલ ઘટીને 17 ફૂટ થયું હતું. જ્યારે આજવાના દરવાજા બંધ કરાતા સપાટી વધીને 213.66 ફૂટ થયું હતું. હાલ વરસાદનો વિરામ છે, જેથી લોકો અને તંત્રે રાહત લીધી છે. કોર્પોરેશન હજુ આજવાના 62 દરવાજામાંથી પાણી છોડવાનું બંધ રાખશે. નદીનું લેવલ આશરે 15 ફૂટ થયા બાદ પાણી છોડવા અંગે નિર્ણય લેવાશે તેમ જાણવા મળે છે. જોકે મળતી વિગતો મુજબ આજવા ખાતે લેવલ ધટાડવા માટે અગાઉ જે 14 પમ્પો મૂકવામાં આવેલા છે તે ગઈકાલ સવારથી ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ પંપ દ્વારા 24 કલાકમાં 405 મિલિયન લીટર પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. આ પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે, પરંતુ તેના કારણે નદીના લેવલમાં ખાસ ફેર પડતો નથી. પરંતુ આજવા, પ્રતાપપુરા દરવાજાનું યોગ્ય સંચાલનના કારણે હાલ પૂરની સ્થિતી ટળી છે.