05, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
4059 |
પાર્સલમાં મોકલવામાં આવતા સામાનની પણ તપાસ કરાશે
ભારતીય રેલવેએ મુસાફરો અને પાર્સલ સેવાઓ તેમજ સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી રેલવેમાં પાર્સલ બુક કરાવવા માટે ઓળખપત્ર આપવું ફરજિયાત કરાયું છે. નવા નિયમો મુજબ હેવે પાર્સલ બુક કરાવનાર વ્યક્તિએ પોતાનું આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાઈસન્સ, અથવા પાસપોર્ટની ફોટોકોપી પૈકી એક ઓળખપત્ર અને મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે.
રેલવેએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, પાર્સલમાં મોકલાતા સામાનની તપાસ પણ હવે કરાશે. ક્યારેક શંકાસ્પદ પાર્સલની તપાસ માટે ડોગ સ્ક્વોડની મદદ પણ લેવાશે. રેલવે તંત્ર દ્વારા આ નિર્ણય પાર્સલ સેવાને વધુ સુરક્ષિત બનાવી શકાય અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકી શકાય તે માટે લેવામાં આવ્યો હોંવાનું કહ્યું હતુ. આ પહેલાં પાર્સલ બુકિંગની પ્રક્રિયા ઘણી સરળ હતી, જેમાં માત્ર ફોરવર્ડિંગ નોટ ભરવાની અને રેલવે રસીદ લેવાની જરૂર પડતી હતી.
નવા નિયમો મુજબ, પાર્સલ બુકિંગની તમામ વિગતો અને CCTV ફૂટેજનો રેકોર્ડ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે, જેથી જરૂર પડ્યે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિની તાત્કાલિક તપાસ કરી શકાય.