04, સપ્ટેમ્બર 2025
4158 |
નવી દિલ્હી, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુપીઆઇ દ્વારા ખાસ પ્રકારના વ્યવહારો માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં નોંધપાત્ર વધારો કર્યો છે. જેનો અમલ ૧૫ સપ્ટેમ્બરથી થશે. નવા ફેરફાર મુજબ હવે ટેક્સ ભરવા, વીમા પ્રીમિયમ ચૂકવવા, લોનની ઇએમઆઇ ભરવા અને શેરબજારમાં રોકાણ જેવા મોટા વ્યવહારો માટે દૈનિક રૂા. ૧૦ લાખ સુધીની ચૂકવણી માત્ર ૨૪ કલાકમાં કરી શકાશે. અગાઉ આવા ટ્રાન્ઝેક્શનની મર્યાદા માત્ર રૂા, ૧ લાખની હતી.
આ ફેરફાર માત્ર વ્યક્તિ દ્વારા વેપારીને કરાતા ટ્રાન્ઝેક્શન પર જ લાગુ પડશે. એટલે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર લાગુ નહીં પડે. વ્યક્તિ માત્ર સીધું જ વેરિફાઈડ બિઝનેસ એકાઉન્ટમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે, જેમાં વીમા કંપનીઓ, બ્રોકરેજ ફર્મ, ટેક્સ પોર્ટલ અને બેંકો જેવી સંસ્થાઓ સામેલ છે. યુપીઆઈ દ્વારા વ્યક્તિથી વ્યક્તિને કરાતી ટ્રાન્ઝેક્શન લિમિટ યથાવત્ એટલે કે એક લાખ રૂપિયા જ રહેશે.
હવે યુપીઆઈથી એક વખતમાં રૂા. ૫ લાખનું અને ૨૪ કલાકની અંદર રૂા. ૧૦ લાખનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે. અગાઉ રૂા. બે લાખની લિમિટ હતી, જે વધારીને એક વખતના ટ્રાન્ઝેક્શનમાં રૂા. ૫ લાખ અને ૨૪ કલાકમાં રૂા. ૧૦ લાખ કરાઇ છે.