05, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
3663 |
કુકી સંગઠન તેના શસ્ત્રો સીઆરપીએફ અને બીએસએફને સોંપશે
મણિપુરમાં હિંસામાં અત્યાર સુધી કુલ 260ના મોત, હજારો બેઘર થયા છે
કોમી રમખાણો બાદ મણિપુરમાં લાંબા સમય પછી શાંતિ સ્થપાઈ છે. મણિપુરના બે સંગઠન કુકી-ઝો ગુ્રપે ગુરુવારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે મણિપુરની અખંડતા જાળવી રાખવા સાથ રાજ્યમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટેના કરાર કર્યા છે. જેના પગલે મણિપુરની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે મહત્વનો મનાતો નેશનલ હાઇવે-ટુ ફરી ખૂલ્યો છે.
કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ બંનેએ કેન્દ્રના શાંતિ પ્રયત્નોને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. ઉપરાંત તેમના શસ્ત્રો કેન્દ્રીય દળો અને બીએસએફને સોંપી દેવા માટે તૈયારી દર્શાવી છે. જ્યારે કેન્દ્રીય દળોની સાથે મળીને આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની ખાતરી આપી છે.
આગામી સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરની મુલાકાતે પણ જાય તેવી શક્યતાં છે. મણિપુરમાં ત્રીજી મે ૨૦૨૩થી વંશીય હિંસા જારી છે. બહુમતી મેતૈઇ કમ્યુનિટીએ શેડયુલ્ડ ટ્રાઇબ નો દરજ્જો માંગતા તેના વિરોધમાં થયેલી કૂચ પછી આ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધી કુકી અને મૈતેઈની સાથે સુરક્ષા દળો સહિત ૨૬૦ના મોત થયા છે.