વિશ્વવિખ્યાત ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે નિધન
05, સપ્ટેમ્બર 2025 મિલાન   |   4059   |  

વિશ્વના 200 ફોર્બ્સ અબજપતિમાં સ્થાન પામતા હતા

આગવી ફેશન સેન્સ સાથે 10 અબજ ડોલરનું સામ્રાજ્ય રચ્યું

વિશ્વને ફેશનની નવી જ પરિકલ્પના આપનારા વિશ્વવિખ્યાત ઇટાલિયન ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું ૯૧ વર્ષની વયે નિધન થયું છે.પોતાની આગવી ફેશન સેન્સ સાથે અબજો ડોલરનું ફેશન હાઉસ ઊભું કરનારા અરમાનીનું તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. અરમાની વૈશ્વિક ફેશન ઉદ્યોગના પ્રતિષ્ઠિત નામોમાં એક હતા. અસ્વસ્થ તબિયતના કારણે તો પહેલી જ વખત જુન ૨૦૨૫માં યોજાયેલી મિલાન ફેશન વીકમાં અરમાની હાજર રહી શક્યા ન હતા. તેઓ ફેશન ઉદ્યોગમાં તેમની જ્યોર્જિયો અરમાની બ્રાન્ડના ૫૦ વર્ષની ઉજવણી કરવા આ સપ્તાહે મિલાન ફેશન વીકમાં મોટી ઇવેન્ટ કરવાનું આયોજન ધરાવતા હતા.

અરમાનીએ ૧૯૭૦ના દાયકામાં પેન્ટની સિમ્પલ પેર અને અર્બન પેલેટની સાથે અનલાઇન્ડ જેકેટથી પ્રારંભ કરીને અરમાનીએ ઇટાલિયન રેડી-ટુ-વેર સ્ટાઇલને વૈશ્વિક ફેશન ફલક પર મૂકી દીધુ હતુ. કેઝ્યુઅલ છતાં પણ સ્ટાઇલિશ અભિગમ ધરાવતા અરમાની બ્રાન્ડના વસ્ત્રોએ ફેશન જગત પર પાંચ-પાંચ દાયકા સુધી શાસન કર્યુ છે.

એક્ઝિક્યુટિવ ઓફિસથી લઈને હોલિવૂડ સ્ક્રીન સુધી અરમાનીના વસ્ત્રોની બોલબાલા હતી. અરમાનીએ તેના મૃત્યુ સુધીમાં ફક્ત તેમની ફેશન સેન્સ વડે ૧૦ અબજ ડોલરનું સામ્રાજ્ય રચ્યુ હતુ.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution