જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થવાની શક્યતાં
06, સપ્ટેમ્બર 2025 નવી દિલ્હી   |   4455   |  

વિમાન પ્રવાસમાં ઈકોનોમિક શ્રેણીમાં ટિકિટો પર પાંચ ટકા જ્યારે બિઝનેસ-ફર્સ્ટ ક્લાસ ટિકિટો પર ૧૮ ટકા જીએસટી

જીએસટી પરિષદે જીએસટી  દરોમાં વ્યાપક સુધારાને મંજૂરી આપી દીધી છે તા. ૨૨ સપ્ટેમ્બરથી તેનો અમલ થવાનો છે. આ સુધારાઓના પગલે આગામી સમયમાં ક્રૂડ ઓઈલ અને ગેસના સંશોધન તથા ઉત્પાદન મોંઘા થશે. બીજીબાજુ કેન્દ્ર સરકારને જીએસટીની આવકમાં રૂ. ૩,૭૦૦ કરોડનું નુકસાન થશે તેમ એસબીઆઈના અહેવાલમાં જણાવાયું છે.

જીએસટીમાં સુધારાના ભાગરૂપે જીએસટી પરિષદે ક્રુડ ઓઈલ અને ગેસના સંશોધન તથા ઉત્પાદનની સેવાઓ પરનો ટેક્સ ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કર્યો છે, તેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ અપાશે. જાણીતી રેટિંગ એજન્સી ના સૂત્રોના જણાવ્યા મુજબ  જીએસટીમાં વૃદ્ધિથી ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસના ઉત્પાદનનો ખર્ચ વધી શકે છે. ક્રુડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ જીએસટીના દાયરાથી બહાર છે, તેથી તેના ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધીથી કરોનો બોજ વધશે.

ઉપરાંત વિમાન પ્રવાસીઓના પ્રીમિયમ, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ ટિકિટો મોંઘી થશે. કારણ કે આ શ્રેણીઓમાં ઊંચા જીએસટી દર લાગુ થશે. નોન-ઈકોનોમિક શ્રેણીની ટિકિટો પર જીએસટીનો દર વર્તમાન ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરી દેવાયો છે.

સૂત્રોએ જણાવ્યું કે, જીએસટી પરિષદે સ્પષ્ટ કરી દીધું છે કે વિમાન પ્રવાસ ઈકોનોમિક ક્લાસમાં કરાય તો જીએસટીનો દર ૫ ટકા રહેશે જ્યારે અન્ય વર્ગોમાં જીએસટીનો દર ૧૮ ટકા રહેશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution