વિશ્વામિત્રી નદીની સપાટી વધતાં કોટેશ્વર ગામમાં પાણી ભરાયાં
06, સપ્ટેમ્બર 2025 વડોદરા   |   5445   |  

વડસર- કોટેશ્વર રોડ બંધ, કાંસારેસી, સમૃદ્ધી ટેનામેન્ટના લોકો અટવાયાં

વડોદરા શહેર- જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેધરાજાએ જમાવટ કરી છે. શહેરને પીવાનું પાણી પુરૃ પાડતાં આજવા સરોવર અને તેના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં સપાટી વધીને 213.45 ફૂટે પહોંચતા આજવાના 62 દરવાજા શુક્રવારે સવારે ખોલવામાં આવ્યાં હતા. જોકે, બપોરે બંધ કર્યા પછી રાત્રે ફરી ખોલવામાં આવ્યાં હતા. ત્યારે વિશ્વામિત્રીની સપાટી ગઈકાલે સવારે 11 ફૂટ હતી તે ધીમી ગતીએ વધતા વધતાં આજે સવારે 17 ફૂટની ઉપર પહોંચતા શહેરના સૌથી નિચાણવાળા વિસ્તાર એવા વડસર થી કોટેશ્વર જતાં રસ્તા પર પાણી ભરાતા કોટેશ્વર ગામનો સંપર્ક તૂટી ગયો હતો.જોકે, અહી જુનું નાળુ તોડીને નવુ ઉંચુ નાળુ બનાવવામાં આવ્યું છે. નાળા પર તો પાણી ભરાયા નથી પરંતુ આસપાસના રસ્તા પર પાણી ભરાઈ જતાં કોટેશ્વર ગામ તેમજ ગામમાં આવેલ સમૃદ્ધી ટેનામેન્ટ કાંસા રેસીડન્સી વગેરેનો સંપર્ક તૂટ્યો હતો. તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સતર્ક રહેવાની સુચના સાથે સલામત સ્થળે ખસી જવાની સુચના આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, દર વખતે નદીની સપાટી 16 ફૂટ થી ઉપર પહોંચે ત્યાં આ વિસ્તારમાં પાણી ભરાવાની શરૃઆત થઈ જાય છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution